રાજકોટ : હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે કે દિવાળીનો પર્વ. દિવાળીના પર્વની દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં રાજકોટમાં શેર વિથ સ્માઇલ નામની સંસ્થા દ્વારા દિવાળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા અલગ અલગ આંગણવાડીના 450 જેટલા બાળકો અને 150 કરતાં વધુ જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા, મીઠાઈ સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

600 બાળકોનું સ્મિત રેલાયું : આ અંગે શેર વિથ સ્માઇલ સંસ્થાના પ્રમુખ કપિલ પંડ્યાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દિવાળીનો પર્વ હિન્દુ ધર્મના લોકો માટે સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ત્યારે શેર વિથ સ્માઇલ સંસ્થા દ્વારા રાજકોટના અલગ અલગ વિસ્તારના 10 જેટલા આંગણવાડી કેન્દ્રોના અંદાજિત 450 જેટલા બાળકો અને 150 જેટલા ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને ફટાકડા, કપડા, મીઠાઈ, ચપ્પલ સહિતની વસ્તુઓ આપીને દિપાલી પર્વની ઉજવણી કરવામાં આવી છે.

સામાન્ય રીતે જે લોકો દિવાળી પર્વમાં બાળકો માટે 50,000 થી 1 લાખ સુધીના ખર્ચા કરતા હોય છે. જેમાં પરિવારના બે કે ત્રણ બાળકો ખુશ થતા હોય છે. ત્યારે આટલા ખર્ચામાં આપણે 500 કરતાં વધુ બાળકોને દિવાળી પર્વની અનોખી ખુશી આપી શકીએ છીએ. -- કપિલ પંડ્યા (પ્રમુખ, શેર વીથ સ્માઇલ સંસ્થા)
શેર વિથ સ્માઇલ : રાજકોટની શેર વિથ સ્માઇલ સંસ્થા દ્વારા દર વર્ષે દિવાળી દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ફટાકડા અને કીટનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તેમના દ્વારા 600 જેટલા બાળકોને ફટાકડા અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરના લક્ષ્મીવાડી ખાતે આવેલ શાળા નંબર 47 માં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આસપાસના ઝુપડપટ્ટીના અંદાજિત 150 જેટલા બાળકો પણ હાજર રહ્યા હતા. તેમને પણ અલગ અલગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રેરણાદાયી કાર્ય : શેર વિથ સ્માઇલ સંસ્થાના કપિલ પંડ્યાએ દિવાળી પર્વ નિમિતે લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જે લોકો દિવાળી પર્વની ઉજવણી કરતા હોય છે. તેઓ પોતાના પરિવારના બાળકો માટે રૂપિયા 50,000 થી 1 લાખ સુધીના ખર્ચા કરતા હોય છે. જેમાં પરિવારના બે કે ત્રણ બાળકો ખુશ થતા હોય છે. ત્યારે આટલા ખર્ચામાં આપણે 500 કરતાં વધુ બાળકોને દિવાળી પર્વની અનોખી ખુશી આપી શકીએ છીએ.