રાજકોટ: સૌરાષ્ટ્રવાસીઓ માટે એક ખુશીના સમાચાર છે. જેમાં આગામી દિવસોમાં રાજકોટથી પુના માટેની ડેઇલી ફ્લાઈટ શરૂ થશે. આ ફ્લાઈટ 3 જુલાઈથી શરૂ થશે. જ્યારે આ અગાઉ રાજકોટ થી ઉદયપુર અને રાજકોટથી ઇન્દોરની ડાયરેક્ટ અને ડેઇલી ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે રાજકોટથી પુના માટેની ડેઇલી ફ્લાઈટ શરૂ કરવામાં આવનાર છે. જેના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને તેનો સીધો લાભ મળશે. તેમજ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને પણ એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે ડાયરેક્ટ અને ડેઈલી ફ્લાઈટ મળી રહેશે. જેના કારણે તેમનો પ્રવાસ સરળ અને સમય પણ બચશે.
3 જુલાઈથી શરૂ થશે ફ્લાઈટ: રાજકોટ એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓનો પણ ઘસારો જોવા મળતો હોય છે. એવામાં હવે આગામી 3 જુલાઈથી રાજકોટને વધુ એક ડેઈલી ફ્લાઇટ મળવા જશે. જેમાં રાજકોટથી પુનાની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થશે. આ ફ્લાઈટ અઠવાડિયામાં છ દિવસ મળશે. જેમાં રાજકોટથી પુના સવારે 9:45 વાગે તેમ જ પુનાથી રાજકોટ સવારે 7:15 વાગે ફ્લાઈટ ઉડાન ભરશે. ત્યારે પુના માટે ડેઇલી ફ્લાઈટ શરૂ થવાના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના વેપારીઓને તેનો સીધો લાભ મળશે.
ધંધા અર્થે: જ્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અલગ અલગ રાજ્યમાં પોતાનો વેપાર ધંધા અર્થે જતા હોય છે. પરંતુ ડાયરેક્ટ ફ્લાઈટ ન હોવાથી તેમને પ્રવાસમાં મુશ્કેલીઓ સર્જાતી હોય છે. એવામાં વેપારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને indigo દ્વારા રાજકોટ થી પુનાની ડેઇલી ફ્લાઈટ શરૂ કરવામાં આવનાર છે. રાજકોટની ભાગોળે હિરાસર ખાતે આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે.
રનવે પર ટ્રાયલનું કામ: આ ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણનું કામ 90 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. એવામાં રાજકોટના આ નવા એરપોર્ટના રનવે પર ટ્રાયલનું પણ કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ બીપોર જોય વાવાઝોડાને પગલે હવે આ કામની ગતિ ધીમી પડી છે. જ્યારે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા પણ રનવેની મુલાકાત લેવામાં આવી છે અને કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદી દ્વારા આ એરપોર્ટના નિર્માણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે તેમના હસ્તે જ આ એરપોર્ટનું લોકાર્પણ થાય તેવા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.