કેસ અંગે ધોરાજીના સરકારી વકીલ કાર્તિકેય પારેખે જણાવ્યું હતું કે, "ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ હેમંતકુમાર અરવિંદભાઈ દવે સમક્ષ ધોરાજીનો ગૌ હત્યાનો કેસની સુનવણી શરૂ થઇ હતી. કોર્ટે આરોપી સલીમ કાદરને ભારતીય દંડ સંહિતા કલમ 379, 429 તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કલમ 2017ની કલમ-8 મુજબ તકસીરવાન ઠરાવી 10 વર્ષની સજા અને રૂપિયા 1 લાખ 2 હજારનો દંડ તથા ફટકાર્યો હતો."
મળતી માહિતી પ્રમાણે, આરોપીના ઘરે દીકરીના લગ્ન હતા. એટલે ફરિયાદી સતારભાઈ માજોઠીના ઘરેથી વાછડી ચોરી હતી અને વાછડી કાપી તેની બિરયાની બનાવી લગ્નમાં આવેલા મહેમાનોને મીજબાની આપી હતી. આ અંગે ફરિયાદી સતારભાઈ માજોઠીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસે ગુનો નોંધી અને ચાર્જશીટ કરી હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ધોરાજીના વેટરનરી ઓફિસર ઠુંમર તરફથી મળેલા અવશેષો ગૌવંશ હોવાના પ્રમાણભૂત આધારો અને એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનની સરકારી વકીલની દલીલ તથા અન્ય તમામ સંજોગો ધ્યાને લીધા હતા. બાદમાં ધોરાજીના એડિશનલ સેશન્સ જજ હેમંતકુમાર અરવિંદભાઈ દવેએ આરોપી સલીમ કાદરને દસ વર્ષની સજા અને 1 લાખ 2 હજારનો દંડ ફટકાર્યો હતો.