રાજકોટઃ જિલ્લાના ગોંડલ શહેરમાં પુત્રીએ પિતાની અર્થીને કાંધ આપી પુત્રની ફરજ નિભાવી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયામાં રહેતી તેમની બીજી પુત્રી ઇન્ટરનેટના માધ્યમથી અંતિમવિધિમાં જોડાઇ હતી. હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વચ્ચે સ્મશાન યાત્રામાં જોડાયેલા ડાઘુઓએ મોઢે માસ તેમજ હાથમાં ગ્લોઝ પહેરીનેે એકબીજાથી યોગ્ય અંતર રાખ્યું હતું.
વિશ્વમાં જ્યારે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે તેની સામે લડવા ભારત દેશ સંપૂર્ણ તૈયારીઓ આજમાવી રહ્યો છે. હાલ સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિશ્વના મોટાભાગના દેશોમાં વિમાન સેવા પણ સ્થગિત કરવામાં આવી છે. કોરોનાના કહેરથી વિદેશમાં વસતા લોકો પોતાના વતન તરફ વળી રહ્યા છે. જેમાંથી કેટલાંક લોકો હાલ વિમાન સેવા બંધ થવાના કારણે વિદેશમાં ફસાયા છે.
ત્યારે ગોંડલ શહેરની મહાદેવ વાડીમાં આવેલા ભુવનેશ્વરી મંદિર પાસે શ્રીફળ, કંકુ ચુંદડીનો વ્યવસાય કરતા ભઈલાભાઈ વ્યાસનું લાંબી બીમારી બાદ નિધન થતા વ્યાસ પરિવાર શોકમાં ગરક થયો હતો. ભઈલાભાઈને સંતાનમાં બે પુત્રીઓ હોવાથી એક પુત્રીએ કાંધ આપી અંતિમવિધી કરી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયામાં સાસરે રહેલી પુત્રી ઇન્ટરનેટના માધ્યમથી અંતિમવિધિમાં જોડાઇ હતી.
સ્મશાનયાત્રામાં જૂજ સંખ્યામાં સ્નેહી મિત્રો જોડાયા હતા અને તમામ ડાઘુઓએ મોઢે માસ અને હાથમાં ગ્લોઝ પહેરી યોગ્ય અંતર જાળવ્યું હતું. વ્યાસ પરિવાર દ્વારા કોરોના વાઇરસની દહેશતનું સંપૂર્ણ રીતે ધ્યાન રખાયું હતું.