રાજકોટ : રાજ્યમાં આજે અને અને આવતીકાલે બીપોરજોય વાવાઝોડાનું ભયંકર સંકટ છે. એવામાં સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારે થશે તેવી શક્યતાઓ છે. જેને લઇને હવે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે અને લોકોને સમયસર ભોજન મળી રહે તે માટે કામગીરી કરી રહી છે.
સ્વૈચ્છિક સંસ્થાઓમાં રસોડા ધમધમવા લાગ્યાં : ત્યારે વાવાઝોડામાં અસરગ્રસ્તોને ભોજન સમયસર મળી રહે તે માટે રાજકોટમાં સ્વૈચ્છિક સંસ્થાઓમાં રસોડા ધમધમવા લાગ્યાં છે. પગલે રાજકોટની બોલબાલા સંસ્થા દ્વારા પણ ગઈકાલે 10,000 જેટલા ફૂડ પેકેટ જામનગર અને દ્વારકા ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યારે આજે વહેલી સવારથી જ ટ્રસ્ટના 200 જેટલા લોકો દ્વારા અલગ અલગ ફૂડ પેકેટ બનાવવાની કામગીરીમાં લાગ્યા છે. આ ફૂડ પેકેટ રાજકોટ, દ્વારકા અને જામનગર સહિતના વિસ્તારોમાં મોકલવામાં આવશે.
એક અઠવાડિયાથી સૂકો નાસ્તો બનાવવાનું શરુ : જ્યારે આ અંગે માહિતી આપતા બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે. જ્યારે ખરા અર્થમાં રાજકોટના બદલે રામકોટ નામ હોવું જોઈએ. અહીંયા ઘણા બધા વાવાઝોડા આવીને જતા રહ્યાં પરંતુ રાજકોટમાં તેની અસર જોવા મળી નથી.
જ્યારે આવી કુદરતી આપદા આવે ત્યારે રાજકોટ સેવામાં સૌથી મોખરે હોય છે. એવામાં ખાસ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારા વિસ્તારમાં બિપરજોય નામનું વાવાઝોડું ટકાવવાનું છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બોલબાલા ટ્રસ્ટની 200 લોકોની ટીમ તૈયાર કરવામાં આવી છે. તેમજ ટ્રસ્ટ દ્વારા એનડીઆરએફની ટીમને જમાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે શહેરમાં જ્યાં જ્યાં લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે .આ તમામ લોકોની જમાડવાની જવાબદારી બોલબાલા ટ્રસ્ટ દ્વારા લેવામાં આવી છે. આ સાથે જ બિપરજોય વાવાઝોડામાં કામ કરતા કાર્યકર્તાઓ, સ્વયંસેવકોની માટે પણ બોલબાલા ટ્રસ્ટ દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ...જયેશભાઈ ઉપાધ્યાય(બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ)
નમકીનના 30 હજાર પેકેટ :જયેશભાઈ ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું હતું કે નમકીન કંપની દ્વારા 30,000 જેટલા સુકા નાસ્તાના પેકેટ આપવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કોઈ પણ કુદરતી આપત્તિ હોય જેમકે ભૂકંપ હોય, કોરોના હોય, ભારે વરસાદ હોય આ તમામ આપતિ સમયે બોલબાલા ટ્રસ્ટ વહીવટી તંત્ર સાથે ખંભેખભો મિલાવીને કામ કરતું હોય છે. સુકા નાસ્તાની વાત કરવામાં આવે તો 15 હજાર ચવાણુંના પેકેટ, 15 હજાર ગાંઠિયાના પેકેટ, ખાખરા તેમજ થેપલા, સેવ મમરા સહિતનો સુકો નાસ્તો હાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
જામનગરમાં પણ રસોડું શરુ :જામનગર ખાતે બોલબાલા ટ્રસ્ટ દ્વારા રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. કારણ કે સૌથી વધારે જામનગર જિલ્લામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેના કારણે રાજકોટમાંથી ફુટ પેકેટ બનાવીને જામનગર અને દ્વારકામાં મોકલવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ અને વાહનો પણ તૈયાર કરવામાં આવ્યા છે અને હાલ બોલબાલા ટ્રસ્ટના 200 જેટલા લોકો ખડેપગે જોવા મળી રહ્યા છે.
વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે કેટલા વાગ્યે લેન્ડફોલ થશે? હવામાન વિભાગે મહત્વની વિગતો આપી