રાજકોટ : બિપરજોય વાવાઝોડાને કારણે રાજકોટ જિલ્લાના હાલ સુધીમાં ખેતી પાકોમાં કોઈ નોંધપાત્ર નુકસાની થયું નથી. જ્યારે જિલ્લામાં વાવણી લાયક વરસાદ પડેલા હોવાથી જિલ્લાના 1 લાખ 62 હજાર 917 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. હવે ગણતરીના દિવસોમાં જ ચોમાસુ શરૂ થવાનું છે, ત્યારે બિપરજોય વાવાઝોડાને પગલે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. એવામાં આગામી દિવસોમાં ચોમાસુ સારું જાય તેવી આશા ખેડૂતો રાખીને બેઠા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ હવે ચોમાસુ નજીક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
કેટલા હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર : રાજકોટ જિલ્લામાં પાકની વાત કરવામાં આવે તો જેમાં ધોરાજી તાલુકામાં 199060, ગોંડલમાં 42992, જામકંડોરણામાં 11346, જસદણમાં 13489, જેતપુરમાં 214420, કોટડાસાંગાણીમાં 623, લોધિકામાં 2810, પડધરીમાં 13210, રાજકોટમાં 1334, ઉપલેટામાં 34670 અને વિછીયામાં 1963 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. હાલ સુધી થયેલા વાવેતરમાં સૌથી વધુ 83253 હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે, ત્યારપછી 73524 હેક્ટરમાં મગફળી, 2339 હેકટરમાં શાકભાજી, 1424 હેકટરમાં સોયાબીન, 91 હેકટરમાં મગ, 71 હેકટરમાં અડદ, 11 હેકટરમાં તુવેર તેમજ 8 હેકટરમાં મકાઈ તથા 2196 હેકટરમાં ઘાસચારાનું વાવેતર પણ કરવામાં આવ્યું છે.
સમગ્ર જિલ્લામાં સારો વરસાદ : બિપરજોય વાવાઝોડાને પગલે હાલ સમગ્ર રાજકોટ જિલ્લામાં વાવણી લાયક વરસાદ પડ્યો છે, ત્યારે હવે આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા ફરી વાવણીની કામગીરી શરૂ કરવામાં આવશે. તેમજ પ્રિ-મોન્સૂન વાવેતરમાં પિયત લાયક વરસાદ પડ્યો હોવાથી પ્રાથમિક સ્તરે નુકસાન અંગેની હજુ સુધી જિલ્લા પંચાયત કચેરીએ મળી નથી. એવામાં વાવાઝોડા અન્વયે દરેક ગ્રામ સેવક તેમજ વિસ્તરણ અધિકારીને તેમના સેજામાં હાલ સ્ટેન્ડ બાય રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. જેના કારણે આગામી દિવસોમાં જો વધુ વરસાદ પડે તો ખેડૂતોના પાકને તેની ક્યાં પ્રકારની અસર થશે તેમજ ખેડૂતોએ એવા વાતમાં શું શું કરવું તે તમામ બાબતોનું માર્ગદર્શન આપવામાં આવશે.