રાજકોટઃ શહેરમાં કોરોના વેક્સિનનું આગમન થયું છે. સવારે 7 કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે વેક્સિનનો પ્રથમ જથ્થો આવી પહોંચ્યો હતો. જેનું કૃષિપ્રધાન આર.સી ફળદુ, સાંસદ મોહન કુંડારિયા, જિલ્લા કલેક્ટર રેમ્યા સહિતના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટમાંથી સૌરાષ્ટ્રના 8 જેટલા જિલ્લાઓમાં કોરોના વેક્સિનને મોકલવામાં આવશે. કોરોના વેક્સિનનું આગમન થતા જ રાજકોટવાસીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.
પ્રથમ તબક્કામાં 77 હજાર ડોઝનું થયું આગમન
રાજકોટમાં આજે (બુધવાર) વહેલી સવારે કોરોના વેક્સિનનું આગમન થયું છે. હવાઇ માર્ગ દ્વારા આ વેકસીન રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચી હતી. જેનું રાજકોટમાં કંકુ અને તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. કોરોના વેક્સિન રાજકોટ એરપોર્ટ ખાતે આવ્યા બાદ અહીંથી રેસકોર્સ નજીક આવેલા વેક્સિન સ્ટોર ખાતે ખસેડવામાં આવી હતી.
ગ્રીન કોરિડોર વચ્ચે વેક્સિન સ્ટોરમાં ખસેડાઇ
કોરોના વેક્સિનને રાજકોટ એરપોર્ટ ખાતેથી રેસકોર્સ ખાતે આવેલા વેક્સિન સ્ટોર ખાતે ખસેડવા માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોરોના વેક્સિનને રાજકોટ વેકસીન સેન્ટર ખાતે ખસેડાઇ હતી. જો કે આ સમયે દરમિયાન એરપોર્ટ ખાતે આરોગ્ય કર્મીઓ મોટી સંખ્યામાં ઉભા રહીને તાલીઓના ગણગણાટ સાથે કોરોના વેક્સિન વાનને વધાવી હતી.