રાજકોટઃ જંગલેશ્વર વિસ્તારમાં શનિવારે મુન્નાબાપુ નામના મુસ્લિમ અગ્રણીને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. મુન્નાબાપુ જંગલેશ્વરમાં મોટું નામ ધરાવે છે. મીડિયા કર્મીઓ અને પોલીસ કર્મીઓ મુન્નાબાપુના સંપર્કમાં દરરોજ આવતા હતા. તેથી રાજકોટના દરેક પત્રકારોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
મુન્નાબાપુનો કોરોના પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા મીડિયા કર્મીઓ અને પોલીસ અધિકારીઓમાં ચિંતા પ્રસરી હતી. ત્યારબાદ આરોગ્ય તંત્રએ પણ ત્વરિત કામગીરી કરીને 55 જેટલા મીડિયા કર્મીઓ અને 10 કરતા વધારે પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓનો કોરોના ટેસ્ટ કરી સેમ્પલ લીધા હતા. જેનો આજે રિપોર્ટ જાહેર થયો છે. જે તમામનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
મીડિયા કર્મીઓ અને પોલીસ અધિકારીઓ હાલ 24 કલાક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય તંત્રને ખૂબ મોટી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 124 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાં એક પોઝિટિવ આવ્યો હતો. જ્યારે 103 લોકોના રિપોર્ટ નેગેટીવ જાહેર થયા છે અને 20 જેટલા રિપોર્ટ પેન્ડીંગ છે.
આજે જાહેર થયેલા એક કોરોના પોઝિટિવ રિપોર્ટની સાથે રાજકોટમાં કુલ કોરોનાના 37 કેસ થયા છે. જેમાંથી 25 કરતા વધારે કોરોના પોઝિટિવ કેસ માત્ર જંગલેશ્વર વિસ્તારના જ છે.