રાજકોટ: રાજકોટ ભાજપ દ્વારા આજે વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ જાહેરાત કર્યા બાદ થોડા સમયમાં જ ફરીથી આ નામોની યાદીને પરત ખેંચવામા આવી હતી. જેને લઇને શહેર ભાજપમાં આંતરિક વિવાદ હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે. આ જાહેરાતમાં મહિલા મોરચો, યુવા મોરચો, લઘુમતી મોરચો અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની જાહેરાત કરવામાં આવી હતી.
નિમણૂક કરવામાં આવી: આ સાથે જ મહાનગરપાલિકાના 1 થી 18 વોર્ડના પ્રમુખો અને હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી પરંતુ આ વરણી કર્યા બાદ એકાએક તેને પરત ખેંચવામાં આવી હતી. જેને લઇને અનેક ચર્ચાઓનો દોર શરૂ થયો હતો. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપનું નવું માળખું જાહેર સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો તાજેતરમાં જ રાજકોટ શહેર ભાજપમાં નવા સંગઠનનું માળખું જાહેર થયું છે. જેમાં શહેર પ્રમુખ તરીકે મુકેશ દોશીની નિમણૂક કરવામાં આવી છે.
પરત ખેંચવામાં આવી: આ સાથે જ મહામંત્રી તરીકે અશ્વિન મોલિયા, ડો માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલાનાને હોદ્દેદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે. જ્યારે આ નવા હોદ્દેદારોની નિમણૂક કર્યા બાદ હવે શહેરમાં અલગ અલગ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ તેમજ વિવિધ વોર્ડના પ્રમુખોને મહામંત્રીઓની નિમણૂક કરવાની બાકી હતી. જેને લઈને બપોરના સમયે મહિલા મોરચો, યુવા મોરચો, લઘુમતી મોરચો અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ જાહેરાત બાદ ફરીથી તેને પરત ખેંચવામાં આવી હતી.
હોદ્દેદારની વર્ણી: ભાજપ પ્રમુખવિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની જાહેરાત બાદ તેને પરત ખેંચવામાં આવતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા હતા. ત્યારે આ મામલે રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે હાલ માત્ર ચાર જેટલા મોરચાના જ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે હજુ પણ બીજા મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની નામ ઉપર ચર્ચા ચાલી રહી છે. જેને લઈને હવે આ તમામ મોરચાઓના હોદ્દેદારોની એક સાથે વરણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જ્યારે વિવિધ મોરચાઓના પ્રમુખો અને મહામંત્રીઓની નિમણૂક કરવાની હતી તે અગાઉ રાજકોટ શહેર ભાજપના કમલમ કાર્યાલય ખાતે મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓની ભીડ જોવા મળી હતી અને શહેર પ્રમુખ દ્વારા વિવિધ કાર્યકર્તાઓની સેન્સ પણ હોદ્દેદારની વર્ણી માટે લેવામાં આવી હતી.