- રાજકોટમાં પૂર્વ કોર્પોરેટરના પતિની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ધરપકડ
- રાજકોટ જિલ્લા કલેક્ટર અને પોલીસ તંત્ર મુખ્યપ્રધાનના ઈશારે કામ કરે છે : કોંગ્રેસ
- કોંગ્રેસ જાડેજા પરિવારની સાથે છે : શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર
રાજકોટઃ કોર્પોરેશનના વોર્ડ નંબર 12ના પૂર્વ મહિલા કોંગ્રેસના કોર્પોરેટરના પતિ સહિત ત્રણ લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે. જે અંગે બુધવારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે રાજકોટ જિલ્લા કલેક્ટર અને પોલીસ તંત્ર મુખ્યપ્રધાનના ઈશારે કામ કરી રહ્યું છે. તેમજ આક્ષેપ કરવામાં આવ્યા હતા. જોકે, આ મામલે કોંગ્રેસ જાડેજા પરિવારની પડખે ઉભો હોવાનું પણ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર દ્વારા જણાવામાં આવ્યું હતું.
કોંગ્રેસ દ્વારા ગુરૂવારે યોજવામાં આવશે ધરણા
રાજકોટમાં પૂર્વ કોંગ્રેસ મહિલા કોર્પોરેટર પતિ વિરુદ્ધ નવા કાયદા લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવતા શહેર કોંગ્રેસમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને મહિલા કોર્પોરેટરના પતિ કનકસિંહ જાડેજાને સમર્થન આપવાની પણ વાત કરી હતી. જ્યારે આ અંગે વિરોધ દર્શાવવા માટે ધરણા યોજવાની માગ પણ પોલીસ કમિશનર પાસે કરી હતી. જેની મંજૂરી પણ આપી દેવામાં આવી છે.
લેન્ડ ગ્રેબિંગ એકટની કાર્યવાહી મુખ્યપ્રધાનના સીધા ઈશારે થાય છે
કોંગ્રેસ દ્વારા બુધવારના રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કેસ મામલે ટેક્નિકલ માહિતી આપીને જણાવ્યું હતું કે, આ કેસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી થતી નથી, પરંતુ મુખ્યપ્રધાનને વ્હાલા થવા માટે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર ભાજપના ઈશારે કામ કરી રહી છે અને કોંગ્રેસના નિર્દોષ નેતા અને તેમના પરિવારની આ નવા લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ કાર્યવાહી કરી રહી છે.