મહાનગરપાલિકાની ગઈકાલે જનરલ બોર્ડ યોજાઈ હતી. જે દરમિયાન વિપક્ષ દ્વારા શહેરમાં રોડ રસ્તાઓ તૂટવા મામલે હાથમાં બેનર્સ સાથે વિરોધ કર્યો હતો. તે દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા આ બેનર્સને કોંગી કોર્પોરેટરો પાસેથી જપ્ત કર્યા હતાં. તે દરમિયાન મહિલા કોંગી કોર્પોરેટરો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં.
જનરલ બોર્ડમાં પોલીસ અને મહિલા કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી સર્જાયા બાદ આજે મોટી સંખ્યામાં કોંગ્રેસ કોર્પોરેટરો વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં રાજકોટ A ડિવિઝન ખાતે ફરીયાદ કરવા પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટાભાગે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. તે દરમિયાન આ પ્રકારની ઘટના સામે આવતા કોંગી કોર્પોરેટરોમાં હાલ અસંતોષ જોવા મળી રહ્યો છે.