રાજકોટ: મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં સ્થાનિક કોર્પોરેટરો અને કોંગી કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, છેલ્લાં ઘણા દિવસોથી વિસ્તારમાં મનપા દ્વારા પાણી અનિયમિત રીતે આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ જેટલા પ્રમાણમાં પાણી આપવાનું હોય તેના કરતાં ઓછા પ્રમાણમાં આપવામાં આવે છે. ત્યારે આ મુદ્દે આ વિસ્તારના કોંગી કોર્પોરેટરને સાથે રાખીને મહિલાઓ દ્વારા શહેરના આકાશવાણી ચોકમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ કોંગી કોર્પોરેટર મનસુખ કાલરીયા સહિત સ્થાનિક મહિલાઓ વિરોધ કરે તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શહેરના વોર્ડ નંબર 13ના આંબેડકર નગરના વિસ્તારની મહિલાઓ દ્વારા દૂષિત પાણી મુદ્દે માટલા ફોડીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. ત્યારે ફરી રાજકોટમાં પાણી મુદ્દે વિરોધ સર્જાતા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.