રાજકોટ: ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ CM ડેસ્કબોર્ડના જન સંવાદ કેન્દ્રના માધ્યમથી રાજકોટના મેટોડા ઔદ્યોગિક વસાહતમાં આવેલા ઓટોમોબાઇલ પાર્ટસના ઉત્પાદન સાથે જોડાયેલી ફેક્ટરીમાં કામ કરી રહેલા અને ત્યાંજ વસવાટ કરતા પરપ્રાંતીય મજૂરો સાથે સોમવારે સંવાદ કર્યો હતો.
મુખ્યપ્રધાને આ શ્રમિકો માટે ઉદ્યોગકારો દ્વારા કરવામા આવેલી રહેવા જમવાની વ્યવસ્થાઓ, આરોગ્ય સગવડો તેમજ સોશિયલ ડિસ્ટનસિંગના નોર્મ્સ જાળવણી અંગેની માહિતી આ મજૂરો સાથે સંવાદ કરીને મેળવી હતી. તેમજ આ બધા જ શ્રમિકોને નિયમિત મેડિકલ ચેકઅપ, સેનેટાઈઝર, માસ્ક, બે ટાઈમનું પુરતું ભોજન વગેરેની વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરીને વિગતો મેળવી હતી.
ઉદ્યોગકારો તેમજ શ્રમિકોએ રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રએ કરેલી આ ઉત્તમ વ્યવસ્થાથી સંતોષ વ્યક્ત કરી કોરોના વાઈરસ સામેના જંગમાં તેઓ પણ રાજ્ય સરકારની સાથે પોતાના યથાયોગ્ય યોગદાનથી જોડાઈને વિજય મેળવશે તેવો વિશ્વાસ મુખ્યપ્રધાન સાથેની વાતચીતમાં દર્શાવ્યો હતો.