રાજકોટ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટની મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાએ 30 કરોડના ખર્ચે હાલમાં જ ખરીદેલી નવીન 25 ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજકોટ દર્શનની બસનો પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને શુભારંભ કરાવ્યો હતો. આજે લોકાર્પણ કરાયેલી બસો ઇલેકટ્રિક હોવાથી પર્યાવરણની પણ જાળવણી થશે અને જાહેર પરિવહન સેવા બહેતર બનશે.
વાઈબ્રન્ટ રાજકોટ' પુસ્તકનું વિમોચન : આ તકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ ' વાઈબ્રન્ટ રાજકોટ ' પુસ્તકનું વિમોચન પણ મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં છેલ્લા અઢી વર્ષમાં રાજકોટ ખાતે હાથ ધરાયેલા વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત સરકારે ‘ભારે ઉદ્યોગ વિભાગ’ (Department of Heavy Industries-DHI) દેશનાં મુખ્ય શહેરોની જાહેર પરિવહન સેવામાં ઈ મોબિલિટીની જરૂરિયાતને ધ્યાને લઈને ફેમ ઈન્ડિયા સ્કીમ ફેઈઝ-2 યોજના અંતર્ગત રાજકોટ માટે પ્રથમ તબક્કામાં 50 ઇલેક્ટ્રીક બસો આપવામાં આવી છે.
વધુ ઈલેકટ્રિક બસ મંજૂર : તમામ ઇ બસો જાહેર પરિવહન સેવામાં ઉપયોગમાં છે. જ્યારે રાજકોટ માટે બીજા તબક્કામાં 100 ઈલેકટ્રિક બસ મંજૂર કરવામાં આવેલ છે. જે પૈકી હાલ પ્રથમ તબક્કામાં 25 બસોને આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી લોકાર્પિત કરવામાં આવી છે.
જનસંપર્ક કાર્યાલયનું કરાયું લોકાર્પણ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક આવેલા જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા આ જનસંપર્ક કાર્યાલય બનાવવામાં આવ્યું છે. જેને લઇને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે રાજકોટ દક્ષિણના વિસ્તારના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દક્ષિણ વિસ્તારમાં ભાજપના ધારાસભ્યો રમેશ ટીલાળાનું જનસંપર્ક કાર્યાલય શરૂ થતા વિસ્તારના લોકોને તેનો સીધો લાભ મળી રહેશે.