- નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી
- ભુપેન્દ્ર પટેલે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી
- રાજકોટ જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો
રાજકોટ: તાજેતરમાં રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા છે. એવામાં રાજકોટ અને જામનગર જિલ્લામાં આવેલા ભારે વરસાદને પગલે તેઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જ્યારે તેઓએ પ્રથમ જામનગરના અલગ-અલગ વિસ્તારની મુલાકાત કરી હતી, ત્યારબાદ તેઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે રાજકોટ જિલ્લાના વાગુદળ ગામની મુલાકાત કરી હતી અને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજીને સમગ્ર જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
જિલ્લામાંથી 3306 લોકોનું કરાયું સ્થળાંતર
રાજકોટ જિલ્લાની મુલાકાતે આવેલા સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં આવેલા ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઈને મોટી હોનારત ટળી હતી. જ્યારે સમગ્ર જિલ્લામાંથી 3306 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. જેમાંથી હાલ પરત 2,733 લોકો પોતાના ઘરે સુરક્ષિત છે. જ્યારે સમગ્ર જિલ્લામાંથી 517 જેટલા લોકોનું વિવિધ જગ્યારથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે હજુ પણ તંત્રની કામગીરી શરૂ છે.
82 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
જ્યારે રાજકોટ જિલ્લામાં આવેલા ભારે વરસાદને પગલે ભારે તારાજી પણ સર્જાઈ હતી. જે દરમિયાન 82 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી મોટાભાગના ગામોમાં લાઇટની વ્યવસ્થા થઈ ગઈ છે. તેમજ હાલ 3 જેટલા ગામોમાં વીજ પુરવઠોની કામગીરી બાકી છે. જે આવતીકાલ સુધીમાં કરી પૂર્ણ કરવામાં આવશે. સીએમ પટેલે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમજ આગામી બે દિવસની અગાહીના પગલે એલર્ટ રહેવાની સૂચના પણ આપ્યું હતુ.
આ પણ વાંચો: ગુજરાતના 17માં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા
સમગ્ર જિલ્લામાં નુક્શાનીનો સર્વે કરાશે
રાજકોટ ખાતે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવેલા ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટ શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકશાની થઈ છે. જ્યારે 25 ઈંચ જેટલો વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો છે, ત્યારે ભારે વરસાદને પગલે વિવિધ ટીમો દ્વારા સર્વે કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ અસરગ્રસ્ત અંગેનો નિર્ણય લેવામાં આવશે. હજુ સુધી વિસ્તારમાં કેટલું નુકશાન થયું છે. તે બહાર આવ્યું નથી પરંતુ આ વિસ્તારમાં વહેલીતકે સર્વે થઈ ગયા બાદ જ આગળની કાર્યવાહી થશે.