રાજકોટ: ઉપલેટા શહેરનો જૂનો નેશનલ હાઈવે કે જે નવા નેશનલ હાઇવે પહેલા ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતો હતો. ઉપલેટામાં પ્રવેશતા પહેલા જુના નેશનલ હાઈવે પર રેલવેનું એક સાંઢીયાપુલ આવેલ છે અને આ પુલની બંને બાજુ તેમજ પુલમાં અનેક ગાબડાઓ, ખાડા ખભડા પડી ચૂક્યા છે. માત્ર બે વર્ષની અંદર પાકો સિમેન્ટનો બનાવેલો રસ્તો તૂટીને સંપૂર્ણ ફાટી ચુક્યા હોવાના દ્રશ્યો સર્જાયા છે. જેને લઈને અહીંયા અકસ્માતોની સંખ્યાઓ પણ વધી રહી છે. રાહદારીઓને જીવનું જોખમ સર્જાઈ રહ્યું છે પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
રોડ પર અકસ્માતનો ભય: રેલવેના સાંઢીયા પુલ પર બનાવવામાં આવેલા આ બંને બાજુના રસ્તાની અંદર ટુ વ્હીલ તો ઠીક પરંતુ ફોરવીલના ટાયરો પણ ઘુસી જાય છે. જેના કારણે વાહન ચાલકો પોતાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દે છે અને પરિણામે અકસ્માતનો ભોગ બને છે તો ઘણા અકસ્માતનો ભોગ બનતા બચતા હોવાનું પણ રાહદારીઓએ જણાવ્યું છે. લોકો પુલ કે રસ્તા પરથી નીચે ઉતરી ન જાય તે માટે રેલિંગ મૂકવામાં આવ્યા છે. ત્યારે આ રેલિંગથી બે-બે પાંચ-પાંચ ફૂટ જેટલા વિશાળકાય વૃક્ષોએ રસ્તાને પોતાના ડાળીઓથી ઢાંકી લીધું છે અને રસ્તાને બ્લોક કરી દીધો હોવાના પણ દ્રશ્યો પરથી અંદર જોઈ શકાય છે.
રાહદારીઓમાં તંત્ર પ્રત્યે રોષ: આ રસ્તો છેલ્લા ઘણા સમયથી જોખમી છે તેમજ રસ્તાની બંને બાજુએ વૃક્ષો નીકળી ગયા હોવાનું અને વૃક્ષો એ પોતાની ડાળીઓનું સામ્રાજ્ય રેલિંગથી પાંચ ફૂટ જેટલું વસાવી ચૂક્યું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આટલી ગંભીર પરિસ્થિતિ અને જીવનું જોખમ ઊભું થાય તેમજ વારંવાર અકસ્માત થતા હોય તેવા રસ્તાની તંત્ર કેમ કાળજી નથી લેતું તેને લઈને પણ અહીંયાથી પસાર થતાં રાહદારીઓમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
તંત્ર દ્વારા કોઈ કામગીરી નહિ: હાલ આ દ્રશ્યો પરથી તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની કેવી કામગીરી થઈ રહી છે. તે ઉચ્ચ અધિકારીઓ અહીંયા ઊગી નીકળેલા વૃક્ષો અને આ ખરાબ રસ્તાની પરિસ્થિતિ પરથી ચોક્કસપણે સમીક્ષા કરી શકે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અત્યાર સુધી ઢીલાસ વાપરતી સરકારી કચેરીઓ અને તેમના જવાબદાર અધિકારીઓ કોઈના જીવનો ભોગ લેવાય તેની રાહ જોવે છે કે પછી આગામી દિવસોની અંદર કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે. પરંતુ હાલ આ ખરાબ રસ્તા અને ઝાળી ઝાંખરાને લઈને તંત્ર પ્રત્યે રાહદારીઓ મીડિયા શમક્ષ ભારે રોષ વ્યક્ત કરતા પણ નજરે પડી રહ્યા છે.