- એટ્રોસિટીના આરોપીએ અનુ. જનજાતિનું પ્રમાણપત્ર રજૂ કરતા કોર્ટને થઈ શંકા
- આરોપી ઉપર 2020 માં SC/ST એટ્રોસિટીના એક્ટ હેઠળ નોંધયો હતો ગુન્હો
- ટીડીઓ ઓફિસના હંગામી કર્મચારી દ્વારા કાઢી આપવામાં આવ્યું ખોટું પ્રમાણપત્ર
રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા એટ્રોસિટીના આરોપીએ આગોતરા જામીન અરજી માટે ગોંડલ કોર્ટમાં પોતે અનુસૂચિત જનજાતિમાં આવતા હોવાનું પ્રમાણપત્ર રજૂ કરતા કોર્ટને શંકા જતા ખરાઈ કરવાની તપાસનો આદેશ પોલીસને કરતા આરોપીએ યેનકેન પ્રકારે ટીડીઓ ઓફિસમાં હંગામી ધોરણે ફરજ બજાવતા શખ્સ પાસેથી પ્રમાણપત્ર કઢાવ્યું હોવાનું બહાર આવતા પોલીસે બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
કોર્ટના આદેશ બાદ પોલીસના તપાસના ચક્રો થયા ગતિમાન
ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા વિક્રમ ઉર્ફે વસંત મંગાભાઈ ભરવાડ વિરુદ્ધ વર્ષ 2020માં એસ્ટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો આ ગુનાના કામે આગોતરા જામીન અરજી માટે તેણે ગોંડલ કોર્ટમાં અનુસૂચિત જનજાતિમાં આવતા હોવાનું જણાવી પ્રમાણપત્ર રજૂ કર્યું હતું પરંતુ પ્રમાણપત્રમા કોર્ટને શંકા જતા ખરાઇ કરવા તાલુકા પોલીસને આદેશ કરતા પીએસઆઇ એમ જે પરમાર દ્વારા તપાસના ચક્રોગતિમાન કરાયા હતા જેમાં બહાર આવ્યું હતું કે અનુસૂચિત જનજાતિ નું પ્રમાણ કાઢવાની સતા તાલુકા વિકાસ અધિકારીની કચેરીને ન હોવા છતાં એને કેન પ્રકારેણ ટીડીઓ ઓફિસના હંગામી કર્મચારી જયદીપ વિજયભાઈ ડોડીયા રહે દાળિયા તાલુકો ગોંડલ વાળા એ કાઢી આપ્યા હોવાનું બહાર આવતા તાલુકા પોલીસે આઈપીસીની વિવિધ કલમ મુજબ ગુન્હો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
હંગામી કર્મચારીએ આવા કેટલા ખોટા પ્રમાણપત્ર કાઢ્યાં તેની ચલાવાઈ રહી છે તપાસ
એટ્રોસિટીનો આરોપી વિક્રમ વસંત મંગાભાઈ ભરવાડ રહે હરમતાળા વાળો વર્ષ 2018 થી અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર ધરાવતો હોય સરકારના કયા કયા લાભ મેળવ્યા છે તેમજ પોતાના અન્ય પરિવારના કોઈ સભ્યને પ્રમાણ પત્ર મળેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઇ છે, ઉપરાંત હંગામી કર્મચારીએ આવા કેટલા પ્રમાણપત્ર ઇસ્યુ કર્યા છે અને આવા પ્રમાણપત્રના આધારે કેટલા લોકોએ સરકારની યોજનાના લાભ લીધા છે. તેમજ અન્ય કોઈ સહકર્મચારી સંડોવાયા છે કે કેમ તે અંગે આરોપીઓની રિમાન્ડ માંગવામાં આવનાર છે.