રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જૂલાઈના રોજ રાજકોટના નવનિર્મિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એરપોર્ટનું લોકાર્પણ કરે તે પહેલા જ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે એરફોર્સનું બોઈંગ 737 પ્લેન પ્રથમ વખત લેન્ડિંગ થયું હતું.
એરપોર્ટ ઉપર પ્લેનનું સફળ લેન્ડિંગ: રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પ્રથમ વખત પ્લેનનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરવામાં આવતા રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. એવામાં આ ઐતિહાસિક પળનો વિડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એરફોર્સનું 737 બોઈંગ પ્લેન ખૂબ જ સફળતાપૂર્વક રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઉતરાણ કરી રહ્યું છે.
એરપોર્ટનું પ્રથમ ફેઝનું કામ પૂર્ણ: હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ખાતમુહર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ કરવામાં આવ્યું હતું. જ્યારે ખાતમુર્હુત થયા બાદ હીરાસર એરપોર્ટના નિર્માણમાં અંદાજિત ત્રણ વર્ષ કરતાં વધારે સમય લાગ્યો હતો. જેને લઇને હવે આ એરપોર્ટનું પ્રથમ ફેઝનું કામ પૂર્ણ થયું છે. હિરાસર એરપોર્ટને બે દિવસ પહેલા જ ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી દ્વારા રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે. હવે આગામી 27 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્લેન પણ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઉતરાણ કરશે.
વેપારીઓને થશે લાભ: રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ થતાં હવે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરના વેપારીઓને તેનો સીધો લાભ થશે. રાજકોટ ખાતેથી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ મળી રહેશે. જેના કારણે વેપારીઓ પોતાના કામ માટે સહેલાઈથી એક દેશમાંથી બીજા દેશમાં પ્રવાસો કરી શકશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું આગામી 27 તારીખના રોજ લોકાર્પણ થશે.