રાજકોટ: મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14માં આવેલા સોરઠીયા વાડી વિસ્તારમાં સીસી રોડના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુદ ભાજપના જ કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ભારતીબેન મકવાણા દ્વારા આ મામલે મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ કોઈ પણ પગલા લેવામાં આવ્યા નહોતા. જેને લઈને ભારતીબેન મકવાણા દ્વારા આ મામલે રાજ્યના સચિવના પૂતળાનું દહન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

છેલ્લા 7 મહિનાથી રજૂઆત કરું છું - કોર્પોરેટર:
સમગ્ર મામલે ભારતીબેન મકવાણાએ જણાવ્યું હતું કે તેઓ વોર્ડ નંબર 14ના કોર્પોરેટર છે. તેમના વિસ્તારમાં જે સીસી રોડ બનાવવામાં આવ્યો છે તેના સેમ્પલ મનપા દ્વારા લેવા માટે મનપા કમિશનરને રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ રોડના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો છે. જેના કારણે તેમને સેમ્પલ લેવાની રજૂઆત કરી હતી.
છેલ્લા સાત મહિનાથી તેઓ આ રજૂઆત કરી રહ્યા છે. છતાં પણ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે કમિશનરે તો એવું કહી દીધું કે સેમ્પલ તો નહિ જ લેવામાં આવશે. જેને લઈને તેમણે હવે રાજ્યના મુખ્ય સચિવનું પૂતળું બાળવાની ચીમકી ઉચ્ચારી છે.

ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર થાય જ નહિ - ચેરમેન, રાજકોટ મનપા
રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતીબેન મકવાણા વોર્ડ નંબર 14ના સક્રિય કોર્પોરેટર છે. લોક પ્રતિનિધિ હોય એટલે આવા નાના મોટા પ્રશ્નો આવતા હોય છે. જેના કારણે ખાતરી આપું છું કે ભારતીબેનના જે પણ પ્રશ્નો હશે તેનું નિરાકરણ કરવામાં આવશે.
આ મામલે મેં ભારતીબેન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. જેમાં કોઈ ભ્રષ્ટાચારનો પ્રશ્ન સામે આવતો નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચારનો વિષય આવતો નથી. આ મામલે અમે સીટી એન્જિનિયરને તપાસ પણ સોંપી છે અને કોઈ પણ પ્રશ્ન હશે તો તેનું નિરાકરણ લાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે એવામાં ભાજપના જ કોર્પોરેટર દ્વારા રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ લગાવ્યો છે. જેને લઇને શહેર ભાજપમાં હલચલમાંથી જવા પામી છે.