રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મોટા કૌભાંડને ઉઘાડું પાડ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન અને ગુજરાતમાંથી ટ્રક સહિતના માલવાહકના કૌભાંડનો પર્દાફાશ કરી રૂપિયા 4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના બે સહિત કુલ 6 શખ્સોને પકડીને વધુ પૂછપરછ શરૂ કરી દીધી છે. આ આરોપીઓએ 60 જેટલા વાહનો ભંગાણ અર્થે લાવ્યા હોવાની કબુલાત કરી છે. આ તમામ અલગ-અલગ રાજ્યોમાંથી ટ્રક-ટેન્કર માલિકો પાસેથી વાહનો ભાડે મેળવી છેતરપિંડી આચરી વાહનોનું ભંગાણ કરી તેના સાધનો અને પાર્ટ બારોબાર વેચી દેતા હતા.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PI વાય.બી જાડેજા અને PSI એમ.જે હુણની ટીમે રાજકોટ-અમદાવાદ હાઈવે અને કુવાડવા રોડ પર આવેલા ભંગારના ડેલામાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ભંગારના ડેલામાં જે વસ્તુઓ પડી હતી, તે જોઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ચોંકી ગઈ હતી. ભંગારના ડેલામાં ટ્રક, ટ્રકના એન્જિનો, ટ્રકની કેબિનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ દરોડા દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે કિશનલાલ ભગવાન ગાદરી (રહે. સુવાનિયા, જિ.ચિતોડગઢ, રાજસ્થાન), ઈશ્વર રૂઘનાથ ચૌધરી (રહે. ગઢવાલો કે ખેડા ગામ, જિ. ભીલવાડા, રાજસ્થાન), જમાલ અબ્દુલ મેતર ( રહે. હાઉસિંગ બોર્ડ, રાજકોટ), વસીમ ઉર્ફે બસીર સમા (રહે. હાઉસિંગ બોર્ડ, રાજકોટ), ઈમ્તીયાઝ આમદ અગવાન (રહે. નવી ઘાચીવાડ, રાજકોટ), લલીત દેવમુરારી (રહે. રિદ્ધી પેલેસ, કેશોદ, જિ. જૂનાગઢ)ને ઝડપી પાડ્યા હતા.
છેતરપિંડી આચરતા: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ તમામની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે, આ તમામ ગુજરાત સહિત અન્ય રાજ્યના ટ્રેક-ટેન્કરના માલિકો સાથે છળકપટથી ભાડે ટ્રક-ટેન્કર મેળવતા હતા. પ્રતિ માસ વાહન માલિકોને તેઓ 50,000 થી 1,00,000 જેટલી રકમ પણ આપતા હતા. જે રકમ એક થી બે મહિના સુધી તેઓ નિયમિત આપતા હતા અને ત્યારબાદ તેમનું વાહન ચોરાઈ ગયું છે તે પ્રકારે જણાવી તેમની સાથે છેતરપિંડી આચરતા હતા.
ડેલામાં વેચી દેતા: આ તમામ આ વાહનોને રાજકોટના ભંગારના ડેલામાં આપી દેતા હતા. જે બાદ આ ડેલામાંથી ટ્રક-ટેન્કરનું ભંગાણ કરી તેના પાર્ટ કાઢીને વેચી દેવામાં આવતા હતા. આ તમામ ગુજરાતમાંથી જે વાહનો ઉઠાવતા તેને રાજસ્થાનના ભંગારના ડેલામાં આપી દેતા, જ્યારે રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી ઉઠાવેલા ટ્રેક-ટેન્કરને રાજકોટ ભંગારના ડેલામાં લાવવામાં આવતા હતા. આ ગેંગે અત્યાર સુધીમાં 60 વાહન ગેરકાયદે તોડ્યાની કબૂલાત આપી છે.
રાજસ્થાનના ડેલામાં: હાલના તબક્કે 12 કરોડના 60 નવા ટ્રકનો ચાર કરોડનો ભંગાર કરી નખાયાની વિગતો બહાર આવી છે. ભારે વાહનો છળકપટથી મેળવ્યા બાદ તેને ભંગારમાં પધરાવી દેવામાં આવતા હતા. રાજસ્થાની શખ્સો રાજસ્થાન કે મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી જે વાહનો ઉઠાવતા તે વાહનો રાજકોટના ભંગારના ડેલામાં વેચી દેતા હતા. ગુજરાતમાંથી જે વાહનો ઉપાડતા તેનું રાજસ્થાનના ડેલામાં વેચાણ કરી દેતા હતા.ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે જેમાં કોન્ટ્રાક ઉપર વાહનો લઇ તમામ પૂર્જાઓ અલગ કરી ભંગારમાં વેચી મારવાનું કારસ્તાન રાજકોટની અંદર ઝડપાયું છે.