રાજકોટ : દેશભરમાં આજે ભાઈબીજના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભાઈબીજના તહેવાર નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સીટી બસમાં બહેનો માટે નિઃશુલ્ક મુસાફરીની સુવિધા આપવામાં આવી છે. ત્યારે આજે મોટા પ્રમાણમાં મહિલાઓ અને બહેનો આ નિઃશુલ્ક મુસાફરીનો લાભ લઈ રહી છે.
મહિલાઓ માટે વિશેષ સુવિધા : આજે વહેલી સવારથી જ શહેરના અલગ અલગ રૂટ ઉપર મોટા પ્રમાણમાં મહિલા અને બહેનો અલગ અલગ સ્થળે મુસાફરી કરતા જોવા મળી હતી. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની જાહેરાત અનુસાર આજે ભાઈબીજના દિવસ દરમિયાન મહિલાઓ સિટીબસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં મહિલાઓ આ સેવાનો લાભ લે તેવી પૂરેપૂરી શક્યતા છે.
રાજકોટ મનપાની પહેલ : રાજકોટ સીટી બસમાં ભાઈબીજના તહેવાર નિમિત્તે નિઃશુલ્ક મુસાફરીનો લાભ લેતી શીતલે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મનપા દ્વારા ભાઈબીજના તહેવાર નિમિત્તે બહેનોને નિઃશુલ્ક મુસાફરીનો લાભ આપી રહી છે તે ખૂબ જ સારી બાબત છે. જ્યારે સીટી બસમાં મુસાફરી કરી રહેલી ક્રિષ્ના પરમારે જણાવ્યું હતું કે, ભાઈબીજના તહેવાર નિમિત્તે રાજકોટ મનપા દ્વારા જે સુવિધા આપવામાં આવી છે તેનાથી બહેનોને પણ ખુશી મળે છે અને આ સારી સુવિધા છે.
સિટી બસમાં નિઃશુલ્ક પ્રવાસ સેવા : રાજકોટ મનપાની આ સેવાને લઈને બસના કંડકટર લાલાભાઇ રબારીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા વારે-તહેવારે આ પ્રકારની સુવિધાનો લાભ આપવામાં આવે છે. મારી બસમાં સવારથી અત્યાર સુધીમાં 140 જેટલી બહેનોએ નિઃશુલ્ક પ્રવાસનો લાભ લીધો છે. આ નિઃશુલ્ક પ્રવાસનો લાભ સાંજ સુધી મળશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસમાં આજે વહેલી સવારથી બહેનો મોટા પ્રમાણમાં નિઃશુલ્ક મુસાફરીનો લાભ લઈ રહી છે.
ક્યારે ક્યારે મળશે આ સુવિધા ? રાજકોટ સિટી બસના કંડકટરે વધુમાં જણાવ્યું હતું કે, હાલ ભાઈબીજના તહેવારને લઈને બહેનોને નિઃશુલ્ક મુસાફરીનો લાભ આપવામાં આવે છે. આ ઉપરાંત દર રવિવારે પણ બહેનો ટિકિટના ભાવ હોય તેના કરતા અડધા ભાવ એટલે કે 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે મુસાફરીનો લાભ આપવામાં આવે છે. જ્યારે રક્ષાબંધન, ભાઈબીજ અને વિશ્વ મહિલા દિવસે પણ કોર્પોરેશન દ્વારા મહિલાઓને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસોમાં નિઃશુલ્ક પ્રવાસનો લાભ આપવામાં આવતો હોય છે.