રાજકોટઃ શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ભવ્ય ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે અને દિવ્ય દરબારમાં ભાગ લેશે. આ માટેની તૈયારીઓ પૂરી થવાના આરે છે. એમના આગમન પહેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના શહેરમાં અનેક જગ્યાએ પોસ્ટર લાગ્યા છે. તારીખ 1 અને 2 જુનના રોજ બાગેશ્વર સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીનો યોજાનાર છે. અલગ અલગ મુખ્ય માર્ગો ઉપર ધીરેન્દ્ર શાસ્ત્રીના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ખાસ આ પોસ્ટરો હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
પડકાર ફેંકાયોઃ રાજકોટમાં વિજ્ઞાનજાથા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકવામાં આવ્યો છે. એવામાં બીજી તરફ બાગેશ્વર ધામ કમિટી કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. બાબાના સમર્થનમાં મસમોટા પોસ્ટર લાગ્યા છે. આમંત્રણ આપતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આશરે 500થી વધારે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. માત્ર રેસકોર્ષ જ નહીં શહેરના અનેક એવા વિસ્તારમાં બાબાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જાણે શહેર આખુ કેસરી થયું હોય એવો માહોલ છે.
સંસ્થાઓ તરફથી સમર્થનઃ માત્ર પોસ્ટરની વાત જ નહીં પણ જુદી જુદી સંસ્થાઓએ પણ બાબાને દિવ્ય દરબાર માટેનું મોટું સમર્થન આપ્યું છે. જેમાં રાજકોટ શહેરની મોટી ગણાતી સંસ્થાઓ પણ આવી જાય છે. સુરતમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે, હું વિશ્વભરમાં માત્ર સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યો છે. બાકી કોઇ ઉદ્દેશ્ય નથી. રાજકીય વિવાદ વિશે તેઓએ એવું સ્પષ્ટ કર્યુ હતું કે, રાજકીય પક્ષના નેતાઓ ભલે આક્ષેપો કરતા હોય હું કોઇપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી.માત્ર હનુમાન કથા સાથે બજરંગબલીની પાર્ટી સાથે જ સંકળાયેલો છું.
આખા સૌરાષ્ટ્રમાંથી ભાવિકોઃ રાજકોટમાં જે કાર્યક્રમ થવાનો છે એને લઈને તૈયારીઓ ચાલું છે. પણ ખાસ વાત એ છે કે, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી એમના સમર્થકો અને ભાવિકો આવવાના છે. જે માટેની પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે.