રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં તારીખ 1 અને 2 જુનના રોજ બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજનાર છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સાંજના સમયે આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવનાર છે. આ અંગે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન એવા વિજય રૂપાણીએ પોતાનું નિવેદન આપ્યું છે. જેમાં તેમને જણાવ્યું છે કે બાગેશ્વર બાબા હનુમાનજીના પરમ ઉપાસક છે. તેમજ તેમનો કાર્યક્રમ રાજકોટમાં સફળ થાય તે માટે અમે તેમની સાથે છીએ.
'હું અને ભારતીય જનતા પાર્ટી અમે સ્પષ્ટ માનીએ છીએ કે હિન્દુ સંતો અને તેમના દ્વારા ધર્મની રક્ષા જ્યારે થતી હોય ત્યારે બધા કાર્યક્રમોમાં અમે ભાગ લઈએ છીએ. રાજકોટમાં જ્યારે ખૂબ મોટો દિવ્ય દરબારનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતના સફળ થાય એટલા માટે અમે સૌ ઈચ્છીએ છીએ. બાબા બાગેશ્વર ભગવાન હનુમાનના પરમ ઉપાસક છે. આ દેશમાં હનુમાન દાદા પ્રત્યે લોકોને ખૂબ જ વિશ્વાસ અને આસ્થા છે. એમાં ધર્મની વાત છે અને સંસ્કૃતિની વાત છે. જેના માટે અમે બધા તેમની સાથે છીએ.' -વિજય રૂપાણી, પૂર્વ મુખ્યપ્રધાન
સૌની માન્યતા સૌ સૌને મુબારક: જ્યારે બાબા બાગેશ્વર ચમત્કાર કરતા હોવાની વાત અંગે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સૌ સૌની માન્યતા સૌ સૌને મુબારક, પરંતુ બાબા બાગેશ્વર જે વાતો કરે છે તેમાં ધર્મ અને સંસ્કૃતિની પણ વાતો કરે છે. જે વાતો મહત્વની છે. જ્યારે ચમત્કારની વાતો કરતા હશે. ત્યારે લોકો પણ પોતાની આસ્થાથી પોતાના દુઃખ વ્યક્ત કરતા હોય છે. જે તેમની વ્યક્તિગત વાતો છે પરંતુ હું માનું છું કે આ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. જેના માટે અમે બાબા બાગેશ્વરનો આદર કરીએ છીએ.
બાગેશ્વર ધામ સેવા સમિતિની રચના: ઉલ્લેખનીય છે કે રાજકોટમાં યોજાનાર બાગેશ્વર બાબાના દિવ્ય દરબાર માટે બાગેશ્વર ધામ સેવા સમિતિની રચના કરવામાં આવી છે. આ સેવા સમિતિ અંતર્ગત વિવિધ સમાજના લોકો સાથે બેઠક યોજવામાં આવી રહી છે અને મોટા પ્રમાણમાં લોકોનું પણ સમર્થન બાગેશ્વર બાબાને મળી રહ્યું છે.