રાજકોટ:સીંગતેલના ભાવમાં થોડા સમય પહેલા વધારો થયા બાદ હવે લગ્ન સિઝન અંતિમ તબક્કામાં ભાવ ઘટાડો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સિંગતેલના ભાવ સૌથી વધુ ચર્ચામાં રહે છે. કારણકે સીંગતેલની ડિમાન્ડ હરહંમેશ હોય છે. સમયાંતરે જ્યારે તેલના ભાવમાં ઘટાડો થાય છે. ત્યારે ગુજરાતીઓના નાસ્તા બિલકુલ સસ્તા થતા નથી. કારણ કે તેલની સામે ગેસ અને અન્ય ચીજ વસ્તુઓના ભાવ વધારાના કારણે તેલની કિંમતમાં થયેલી રાહત અસર કરતી નથી. ફરી એક સમયે કિંમતમાં થયેલો ઘટાડો નવી ખરીદી માટે ઉત્તમ છે. પરંતુ ખાસ કોઈ અસર થવાની નથી.
લગ્નગાળો આવતા સિંગતેલના ભાવમાં વધારો: સિંગતેલના ભાવને લઈને ખાદ્યતેલની એજન્સી ધરાવતા એવા ભાવેશ પોપટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો સિંગતેલ સિવાયના ખાદ્ય તેલના ભાવમાં 40 થી 50% સુધીનો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત એપ્રિલ માસથી અત્યાર સુધીમાં સતત આ તેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે આ તેલના ભાવમાં અમુક વખતે રૂપિયા 50 નો ભાવ વધારો જોવા મળે છે પરંતુ સામે કેટલીક વાર 100 રૂપિયા ભાવ ઘટાડો પણ નોંધાતો હોય છે. તમામ ખાદ્ય તેલની વાત કરવામાં આવે તો અગાઉ જે ખાદ્યતેલના ભાવ રૂપિયા 2700થી લઈને 3000 સુધીના જોવા મળ્યા હતા. તેમાં મોટાભાગના ખાદ્યતેલ હાલમાં 1500 રૂપિયાના ભાવમાં મળી રહ્યા છે.
"ખાદ્ય તેલની ડિમાન્ડ અને સપ્લાય ઉપર રૂપિયા 25 કે 50 વધઘટ જોવા મળતી હોય છે. જ્યારે આગામી દિવસોમાં સિંગતેલના ભાવમાં ઘટાડો પણ નોંધાઈ શકે છે કારણ કે ગુજરાતમાં પશ્ચિમ બંગાળ અને યુપી માંથી મગફળી આવશે એટલે કે આગામી 15 દિવસમાં આ મગફળીના જથ્થો વધી જશે. જેના કારણે સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે"--ભાવેશ પોપટ(વેપારી)
તમામ તેલના ભાવમાં ઘટાડો: જ્યારે હાલ અન્ય તેલના ભાવમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ સીંગતેલ તેમાં અપવાદ છે. સીંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવ હાલ રૂપિયા 2900 થી લઈને 2950 સુધીના જોવા મળી રહ્યા છે. જ્યારે સિંગતેલના ભાવની પરિસ્થિતિ ગયા વર્ષથી આ જ પ્રકારની જોવા મળી રહી છે. ગત સિઝનમાં પણ સીંગતેલના ભાવ આ જ પ્રમાણે જોવા મળ્યા હતા. આ વર્ષે પણ સિંગતેલના ભાવમાં રૂપિયા 2800 થી લઈને 2850 થી નીચે ગયો નથી. હાલમાં પણ સીંગતેલમાં આ જ પ્રકારનો ભાવ જોવા મળી રહ્યો છે. ગત અઠવાડિયે સીંગતેલમાં રૂપિયા 50 થી 100 રૂપિયાની વધઘટ ભાવમાં જોવા મળી રહી હતી. જેમાં 10 થી 15 દિવસ પહેલા સિંગતેલની ડિમાન્ડ વધતા અને લગ્ન ગાળાની સિઝન ખુલતા સિંગતેલના ભાવમાં રૂપિયા 50 થી લઈને 100 નો ભાવ વધારો જોવા મળ્યો હતો. પરંતુ તે પછીથી ફરી સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.