- લાખાભાઈ અને મોહનભાઈ વચ્ચે થયો હતો વિવાદ
- કોઈ પણ વિવાદ થયો નથી: મોહન દાફડા
- પરિવારવાદના આક્ષેપ સાથે ભાજપના કાર્યકર્તાઓમાં રોષ
રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ છે. ત્યારે રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતની જેમ જ રાજકોટ મનપાની પણ ચૂંટણી આ ટર્મમાં યોજાવાની છે. ત્યારે રાજકોટના વધુ એક ધારાસભ્ય ટિકિટ ફાળવણીને લઇને વિવાદમાં સપડાયા છે. રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાએ ટિકિટ મામલે ભાજપના અગ્રણી સાથે માથાકૂટ કરી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જો કે, અગાઉ પણ રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ પાટીદાર સમાજના અગ્રણી નેતાઓને ગાળો આપતા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ વિવાદ પણ અટક્યો નથી ત્યાં વધુ એક ધારાસભ્ય વિવાદમાં આવતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
લોધિકા તાલુકા પંચાયત બેઠકની ટીકીટ મામલે વિવાદ
રાજકોટ જિલ્લાની લોધિકા તાલુકા પંચાયતની બેઠક મામલે ધારાસભ્યો લાખાભાઇ સાગઠિયાએ પોતાના મોટા ભાઈ માવજી સાગઠીયાને ટિકિટ મળે તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. જ્યારે ભાજપમાંથી જ મોહનભાઈ દાફડા નામના અગ્રણીએ પણ દાવેદારી આ બેઠક માટે નોંધાવી છે. જેને લઇને ગઈકાલે મોહનભાઈ લાખાભાઈને મળવા પહોંચ્યા હતા તે દરમિયાન બંને વચ્ચે ટિકિટ મામલે ઉગ્ર બોલાચાલી અને મારકૂટ થયાની પણ ચર્ચાએ જોર પકડયું છે. જોકે અગાઉ લાખાભાઈએ આ બેઠક પર પોતાના પુત્રનું નામ આગળ ધર્યું હતું.
ભાજપના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા વિવાદમાં આવતા ETV ભારત દ્વારા લાખાભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આવી કોઈ ઘટના બની જ નથી જો કે તમને આ અંગે વધુ વિગત આપી નહોતી પરંતુ તેઓ હાલ ગાંધીનગર હોય તેવું તેમણે જણાવ્યું હતું. સમગ્ર મામલે એવી પણ ચર્ચા છે કે, લાખાભાઈ અને મોહનભાઈ વચ્ચે માથાકુટ થઇ હતી. જેમને ઓફિસની બહાર દુકાનદારોએ જોયા હતા તેમજ બંને વચ્ચે મારકૂટ થયાની પણ ચર્ચાએ જોર પકડયું છે.
લાખાભાઈ અમારા સન્નમાનીય ધારાસભ્યઃ દાફડા
લોધિકા તાલુકા પંચાયતની બેઠક માટે ધારાસભ્ય અને ભાજપના જ અગ્રણી નેતાઓ વચ્ચે માથાકૂટ થયાનો વિવાદ સામે આવતા મોહન દાફડાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે મેં આ બેઠક માટે દાવેદારી નોંધાવી છે. તેમજ હું પારિવારિક સંબંધના કારણે લાખાભાઈને મળવા માટે ગયો હતો. જોકે અમારી વચ્ચે કોઈ પણ જાતનો વિવાદ થયો નથી અને અમારે વર્ષોથી લાખાભાઈ સાથે પારિવારિક સંબંધ છે તેમજ લાખાભાઈ અમારા સન્નમાનીય ધારાસભ્ય છે.
લાખાભાઈની ટિકિટ માટે પરિવારવાદથી કાર્યકર્તાઓ નારાજ
ભાજપના ધારાસભ્ય લાખાભાઈ હાલ તાલુકા પંચાયતના સભ્ય છે, સાથે જ તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પંચાયત બેઠક માટે પોતાના દીકરાનું નામ આગળ ધર્યું હતું પરંતુ પ્રદેશમાંથી ના આવતા પોતાના મોટા ભાઈનું નામ આગળ ધર્યું હતું. જેને લઇને આ વિવાદ વધ્યો હતો. જ્યારે લાખાભાઈના ધર્મપત્ની પણ ગ્રામ પંચાયતમાં સભ્ય છે. આમ એક જ પરિવારના એક કરતાં વધુ સભ્યો અલગ-અલગ હોદ્દા ઉપર હોવાના કારણે લોધિકા તાલુકાના ભાજપના કાર્યકર્તાઓમાં આ મામલે આંતરિક રોષ જોવા મળી રહ્યો છે.