- રાજકોટમાંથી શિક્ષિત યુવતી ઘરમાં પુરાયેલ અવસ્થામાં મળી આવી
- આ યુવતિની બાજુમાં યુરિનના ટબ પડ્યા હતા
- CA-MBA છે આ યુવતી
રાજકોટ : શહેરમાંથી વધુ એક શિક્ષિત યુવતી ઘરમાં પૂરાયેલી અવસ્થામાં મળી આવી છે. આ યુવતીને સાથી સેવા ગૃપના સભ્યો દ્વારા પોલીસની મદદથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જોકે મેડિકલ રિપોર્ટ અનુસાર આ યુવતીએ છેલ્લા 8 દિવસથી કઈ ખાધું પીધું ન હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે ETV BHARAT દ્વારા સાથી સેવા ગૃપના સભ્ય જલ્પા પટેલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
યુવતી CA-MBA કર્યું હોવાનું આવ્યું સામે
સાથી સેવા ગૃપને દ્વારા ગત બે દિવસથી શહેરના સાધુ વાસવાણી રોડ ખાતે આવેલા ઘરમાં આ યુવતી હોવાનું જાણવા મળતા તેને બહાર કાઢવના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ યુવતીના પરિજનો દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો. જે કારણે સોમવારના રોજ પોલીસની મદદ લઈને આ યુવતીને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.
યુવતીની આસપાસ યુરિનના ટબ ભરેલા મળ્યા
સાથી સેવા ગૃપ દ્વારા આ અંગે ETV BHARAT સાથે વાતચીત કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, યુવતીને જ્યારે ઘરમાંથી બહાર કાઢવામાં આવી હતી, જે દરમિયાન તેને જે રૂમમાં રાખવામાં આવી હતી, ત્યાં આસપાસ યુરિનના ટબ ભરેલા જોવા મળ્યા હતા. આ અંગે યુવતીના પરિવારજનો દ્વારા કઈ ખુલાસો કરવામાં આવ્યો ન હતો. જ્યારે સાથી સેવા ગૃપે યુવતીને સારવાર આપવા માટે પરિવારજનોને જણાવ્યું તો પરિજનો દ્વારા સારવાર માટે આર્થિક સહાયની માગ કરી હતી.
યુવતીનું સારવાર દરમિયાન મોત
શહેરના સાધુ વાસવાણી રોડ પરથી 6 માસથી બંધ હાલતમાં રહેલી યુવતીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી અને આજે મંગળવારે સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું.