રાજકોટઃ જિલ્લાના ગોંડલ શહેરમાં એક પરીક્ષાર્થી માટે 35 રૂમની સમગ્ર શાળા ફાળવાઇ હતી. સામાન્ય રીતે સરકારની દરેક કામગીરીમાં જન માનસમાં એવી ભીતિ રહેલી હોય છે કે, કોઈ પણ કામગીરી ક્ષતિ વગરની ના હોય. પરંતુ ગોંડલ ખાતે શૈક્ષણિક વિભાગે ઉત્તમ કામગીરી દાખવી છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓરો એજ્યુકેશન ઝોન ગોંડલમાં ધોરણ-10ની પરીક્ષા ચાલી રહી છે. જેમાં સોમવારે ફક્ત એક વિદ્યાર્થીની માટે બોર્ડ, રાજકોટ DEO ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
ધોરણ-10ની ફક્ત એક વિદ્યાર્થીની માટે 35 રૂમની શાળા ફાળવેલી હતી. સાથે-સાથે એક સરકારી પ્રતિનિધિ, એક રુટ અધિકારી, એક રુટ અધિકારી સાથે પોલીસ, 6 પોલીસ જવાનોનો બંદોબસ્ત, એક રિલિવર, 2 સુપરવાઇઝર, એક વહીવટી મદદનીશ, એક પટ્ટાવાળા એક પાણીની વ્યવસ્થાવાળા તથા એક કેન્દ્ર સંચાલક એમ ફક્ત એક વિદ્યાર્થીની માટે કુલ પંદર કર્મચારી સ્ટાફ ફાળવ્યો હતો.
વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા વ્યવસ્થિત આપી શકે તે માટેનું સુંદર આયોજન શાળા દ્વારા તથા DEO કચેરી દ્વારા પુરૂં પાડવામાં આવ્યું હતું.