રાજકોટ: રાજકોટની કલેકટર કચેરી ખાતે આજે રાજકોટના પ્રભારી અને રાજ્યના કૃષિ પ્રધાન એવા રાઘવજી પટેલે દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં બીપોરજોય વાવાઝોડા બાદની કામગીરી સહીત જિલ્લામાં જે જે પણ પ્રશ્નો સામે આવ્યા હતા. તે તમામ પ્રશ્નોની સમીક્ષા યોજવામાં આવી હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં રાજકોટ જિલ્લાના સાંસદો ધારાસભ્યો, તેમજ જે તે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રશ્ને ચર્ચા કરવામાં આવી હતી.
કામગીરી અંગે સમીક્ષા: રાજકોટ કલેકટર કચેરીમાં બેઠક યોજાયા બાદ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, " રાજકોટ અમદાવાદ સિકસલેન રસ્તાના કામમાં વિલંબ તેમજ રસ્તાના કામમાં જે પ્રકારના પ્રશ્નો છે. તેના અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. જ્યારે આ રસ્તાના કામ માટે મેં લાગતા વળગતા અધિકારીઓ જે આ બેઠકમાં હાજર હતા તેમને સૂચનાઓ પણ આપી છે. તેમજ બાકીની જે પણ પ્રકારની કાર્યવાહી છે તે માટે હું ગાંધીનગર જઈને તેના જે ઉચ્ચ અધિકારીઓ છે એ સાથે રજૂઆત કરીશ.
થોડી વધઘટ: તેમની સાથે પણ આ મામલે ચર્ચાઓ કરીશ અને પ્રશ્નોનો વહેલી તકે અંત આવે તે દિશામાં અમે પૂરતા પ્રયત્નો કરીશું. અગાઉ રાજ્ય સરકાર દ્વારા રાજકોટ અમદાવાદ સીક્સ લેન હાઇવે 30 જુન 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ મામલે કૃષિપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે તારીખોમાં ફેરફાર કરવો પડે કારણ કે અગાઉ બીપોર જોય નામનું વાવાઝોડું આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ ઉપર હાલ ભારે વરસાદની પણ ચેતવણી છે. આવા જુદા જુદા કારણોને લઈને સમયમાં થોડી વધઘટ થાય તે સ્વાભાવિક છે.
અધિકારીને બદલાવ્યા: જમીન માપણીની પ્રશ્ન અને સીએમ પણ ચિંતિત રાજ્યમાં જમીન માપણી અંગેનો પ્રશ્ન જે વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જમીન માપણીમાં જે અનિયમિતતા જોવા મળી રહી છે અને ખેડૂતોની ફરિયાદો છે તે બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ખૂબ જ ચિંતિત છે. તેમજ અવારનવાર આ કામગીરીની સમીક્ષા પણ કરે છે. જ્યારે જામનગર જિલ્લાની હું વાત કરું તો જામનગર જિલ્લામાં અમે તે વિસ્તારમાં જમીન માપણી તંત્રને સક્રિય કર્યું છે જે અધિકારી સામે ફરિયાદો હતી તે અધિકારીને બદલાવ્યા પણ છે.
ટામેટાના વધતા ભાવ અંગે આપ્યું નિવેદન: તાજેતરમાં ટમેટા સહિતના શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ત્યારે આ મામલે કૃષિ પ્રધાનએ જણાવ્યું હતું કે આ ભાવ ઘટાડવાનો અમારી પાસે સીધો કોઈ રસ્તો હાલમાં નથી પરંતુ માંગ અને પુરવઠાનો જે કુદરતી સિદ્ધાંત છે. જેમાં અત્યારે બજારમાં ટમેટાની માંગ છે જ્યારે પુરવઠો છે નહીં, જ્યારે ટમેટા હાલ અન્ય સ્થળેથી ગુજરાતમાં આવે છે. ત્યારે રસ્તામાં આવતા ટામેટા ક્યાંક બગડી જતા હોય અને વેપારીઓ તેમજ દલાલોના કમિશન પણ ચડતા હોય આ બધાની વચ્ચે સ્વાભાવિક પણે ટમેટોનો ભાવ વધુ રહે છે. બીજી તરફ ટમેટાનો વધુમાં વધુ સમય સુધી સંગ્રહ પણ થઈ શકતો નથી. જ્યારે આ બધી સ્થિતિ હોવાના કારણે ટમેટા સહિતની વસ્તુઓના ભાવમાં આવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે.