રાજકોટ : રાજકોટમાં ટ્રાફિકનો પ્રશ્ન ખુબ જ વિક્રાલ બની રહો છે. તેવામાં શહેરમાં ઓવરલોડેલ ટ્રકો બેફામ બની રહ્યા છે અને આ ટ્રકોના કારણે અકસ્માતોમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે આવા ટ્રક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં રાજકોટ RTO અધિકારી દ્વારા રસ્તા પર ટ્રક ચાલકને મેમો આપ્યા બાદ ટ્રક ચાલક ખૂબ જ ગુસ્સે ભરાયો હતો અને ટ્રક ચાલક સહિત 7થી 8 લોકો દ્વારા RTO અધિકારી તેમજ સ્ટાફ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું અને બેફામ ગાળો ભાંડવામાં આવી હતી. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ત્યારે આ વિડિયો વાઇરલ થયા બાદ હવે સમગ્ર ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
RTO અધિકારીને બેફામ ગાળો આપી : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, શહેરની ભાગોળે રાજકોટ અમદાવાદ હાઇવે નજીક આવેલ ત્રિમંદિર ખાતે રાજકોટ આરટીઓના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ વાહન ચેકીંગ હતો તે દરમિયાન આ પ્રકારની ઘટના બની હતી. જે મામલે RTO આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર કલ્પરાજ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અમે 6 દિવસ પહેલા રાજકોટ અમદાવાદ હાઇવે પર વાહન ચેકીંગ હતા તે સમયે એક ઓવર લોડ ટ્રકને ઊભી રાખીને તેને રૂપિયા 42 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે આ ઘટના બાદ અન્ય ટ્રકને પણ ઊભી રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તેવામાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને લોકોના ટોળું એકઠું થઇ ગયું હતું. જે દરમિયાન કેટલાક ટ્રક ચાલકો સહિતના લોકો દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. જે મામલે પોલીસ ફરીયાદ નોંધાવાઈ છે.
RTO અધિકારી પર ગાડી ચડાવવાની આપી ધમકી : RTO અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માત બાદ 5થી 7 લોકો મારી પાસે આવ્યા હતા અને અમારી ગાડી કેમ રોકી તેમજ કહીને ઝઘડો કરવા લાગ્યા હતા. જ્યારે મને અને મારા સ્ટાફને બેફામ ગાળો આપી હતી તેમજ હું હપ્તા લવ છું તેવા આક્ષેપ કરીને મારા પર ગાડી ચડાવીને મને મારી નાખવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટના 6 દિવસ અગાઉ નોંધાઈ હતી. જો કે આ સમગ્ર ઘટના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ હવે આ મામલે RTO આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર દ્વારા કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. જેમાં આરોપી તરીકે ટીઆરબી ધનરાજ, ટીઆરબી સચીન ઉર્ફે માખેલ, મયુર સોલંકી, લાલો આહિર ઉર્ફે લાલો વરૂ અને કરણ બોરીચા સહિતના શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.