રાજકોટ: અત્યારે શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ વર્તમાન સમયની અંદર વિદ્યાર્થીઓ બાળકો પોતાનો સમય સોશિયલ મીડિયા, અન્ય ગેમ્સ તેમજ વીડિયો જોવા માટે સમય પસાર કરતા જોવા મળે છે. ત્યારે ધોરાજી શહેરની આદર્શ શાળાના ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ એક એવી ઇલેક્ટ્રિક સાયકલ બનાવી છે. જેનાથી લોકોને અને પર્યાવરણને ફાયદો થશે.
'આ સાયકલ હાલ 15 થી 17 હજાર રૂપિયાની કિંમતમાં તૈયાર થયેલ છે. ત્રણ કલાક ચાર્જિંગ કર્યા બાદ આ સાયકલ 30થી 40 કિલોમીટર સુધી ચાલે છે અને આ સાયકલની સ્પીડ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. આ સાયકલ પ્રદૂષણમુક્ત પણ છે. લોકોને વધુ ઉપયોગી થઇ શકે તે માટે તેમના દ્વારા આવતા દિવસોની અંદર પણ વધુ પ્રયત્ન હાથ ધરાશે.' - હંસ ચવાડીયા, સાયકલ બનાવનાર વિદ્યાર્થી
'અમારી શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સમય વેડફાટ કરવાને બદલે સમયનો સદઉપયોગ કરી ઇલેક્ટ્રિક સાયકલનું નિર્માણ કર્યું છે, જેનાથી શાળા પરિવારનું ખૂબ ગૌરવ વધ્યું છે. આગામી દિવસોની અંદર તૈયાર કરવામાં આવેલી આ સાયકલ વધુ ઓછા બજેટમાં અને વધુ ઉપયોગી કઈ રીતે થઈ શકે તે માટે શાળા પરિવાર સતત સહકાર આપી રહી છે.' - પરેશ વાઘેલા, શાળાના આચાર્ય
'વર્તમાન સમયની અંદર બાળકો, યુવાનો મોબાઇલ ફોનમાં સોશિયલ મીડિયામાં એક્ટિવિટી કરવામાં અને મોબાઈલ ફોનની અંદર રીલ્સ જોવામાં સમય વેડફી રહ્યા છે. આ સાથે જ ઘણા યુવાનો અને વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા તેમજ મોબાઇલના માધ્યમથી ગેમ્સ રમી રહ્યા છે તેમજ વિદ્યાર્થીઓ અને યુવાનો ઓનલાઈન સટ્ટામાં પણ ધકેલાઈ રહ્યા છે ત્યારે ધોરાજીની આદર્શ એજ્યુકેશન સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શરૂઆતથી જ પ્રયત્નો કરવામાં આવે છે જેના પરિણામે વિદ્યાર્થીઓ નવીન પ્રવૃતિઓ કરે છે.' - કાર્તિકે પારેખ, મેનેજિંગ ટ્રસ્ટી
ધોરાજી શહેરમાં આવેલી આદર્શ શાળામાં અંદાજે 2200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દરેક પ્રકારની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ધોરાજી શહેરની આદર્શ સ્કૂલ ખાતે અભ્યાસ કરતાં ઉર્જાવાન બાળકો હોશિયાર બાળકો પોતાની આવડતથી કંઈક નવીન આવિષ્કાર તેમજ ટેકનોલોજી ક્ષેત્રમાં નવું સંશોધન કરવા માટે પ્રયત્ન કરે તે માટે કેન્દ્ર સરકારની સહાયથી અટલ ટેન્કરીંગ લેબ બનાવવામાં આવી છે. આ લેબોરેટરીની અંદર વિદ્યાર્થીઓ પોતાના મગજથી શોધ અને જ્ઞાન સાથે કંઈક નવું લોક ઉપયોગી થાય તે માટેનું સતત આયોજન પ્રયત્ન અને સંશોધન કરતા હોય છે. સાયકલના નિર્માણ કાર્ય બાદ આ સાયકલ હજુ ઓછા ખર્ચમાં અને વધુને વધુ કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તે માટેની કામગીરી આગામી દિવસોની અંદર કામગીરી કરવામાં આવશે.