- રાજકોટના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરે કર્યું પ્લાઝ્મા ડોનેટ
- જન્મદિવસે પ્લાઝમા ડોનેટ કરી સમાજમાં ઉદાહરણ પૂરું પાડ્યું
- ડોક્ટરને સારવાર દરમિયાન જાણ થઈ કે ફેફસાં 25 ટકા ડેમેજ છે
- રાજકોટ સમરસ હોસ્પિટલમાં કામ કરતા વખતે થયો હતો કોરોના
રાજકોટઃ ડૉ. ધવલ ગોસાઈ મૂળ તો કમળાપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત છે અને ખાસ 11 દિવસ માટે તેમનું ડેપ્યુટશન રાજકોટ ખાતે સમરસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. કાર્યકાળ પૂર્ણ થતા તેમનો ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો માટે તેમને પણ દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ખબર પડી કે તેમના ફેફસાં 25 ટકા ડેમેજ છે. આમ છતા તેમણે હૈયે હામ રાખીને હોંશભેર કોરોનાને માત આપી હતી.
હું કોરોના પોઝિટિવિ દર્દીઓની માનસિક પરિસ્થિતિને નજીકથી સમજી શક્યો
અત્યારે તેમના શરીરમાં એન્ટીબોડી જનરેટ થતા તેમણે જન્મદિવસે અન્યોને મદદરૂપ થવાની લાગણી સાથે સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું છે. આ વિશે વાત કરતા ડૉ. ધવલે જણાવ્યું કે, સમરસમાં આવતા દરેક પોઝિટિવ દર્દીઓને હું આત્મીયતાપૂર્વક આશ્વાસન આપતો કે તમે ચિંતા ન કરો તમે જલ્દી સાજા થઈને તમારા ઘરે પરત ફરશો આ સાંભળીને તેઓ ખુશ થઈ જતા પણ જયારે મને કોરોના થયો ત્યારે હું કોરોનાગ્રસ્ત દર્દીઓની માનસિક પરિસ્થિતિને વધુ નજીકથી સમજી શક્યો. આ માટે મારા જન્મદિને પ્લાઝ ડોનેટ કરી હું અન્ય સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યો છું. પ્લાઝમા ડોનેટ કરવાથી શરીરમાંથી રોગ પ્રતિકારક શકિત ઓછી થતી નથી કે અન્ય કોઈ પણ પ્રકારની બીમારી પણ ઉત્તપન્ન નથી થતી તો હું મારી જેમ કોરોના મુકત થયેલા અન્ય વ્યકિતઓને અનુરોધ કરું છું કે તમે પણ પ્લાઝમા ડોનેટ કરો, પ્લાઝમાથી બે દર્દીઓની જીંદગી બચી શકતી હોય તો આનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે?