રાજકોટ: ગોંડલના યુદ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ સામે પોલીસ દ્વારા ફરિયાદ કરાઈ હતી. જે કારણે ટ્રસ્ટીએ આ ફરિયાદ ખોટી હોવાની રજૂઆત મુખ્ય પ્રધાનને કરી હતી. પોલીસે કુલ 11 લોકોની ધરપકડ તેમજ કેટલાક હથિયારો સમાન જપ્ત કર્યો હતો.
ગોંડલ શહેર તાલુકા ઉપરાંત સૌરાષ્ટ્ર ભરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા યુદ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશભાઈ દોન્ગાએ મુખ્યસપ્રધાનને રજૂઆત કરી હતી કે, અમારા ટ્રસ્ટ દ્વારા રક્તદાન, કન્યા કેળવણી, ગાયોના ઘાસચારા, વૃક્ષારોપણ, કોવિડ-19માં ભંડારો ચલાવવો વગેરે સેવા કર્યો કરવામાં આવી રહ્યા છે. ગત સપ્તાહે ગોંડલમાં બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટ બાદ પોલીસ તંત્ર દ્વારા દ્વેષ રાખી અમારી ઓફિસ પર દરોડાઓ પાડી ઓફિસની બહાર ફળીયામાં રાખેલા ત્રિકમ, પાવડા, કોદાળી, જેવા સાધનો જે વૃક્ષારોપણ કરવા માટે લોકોએ ભેટમાં આપ્યા હતા તે, તેમજ ક્રિકેટના સાધનો બેટ, સ્ટમ્પ તથા ભગવાનની છબી પાસે પૂજા માટે મુકેલી ધાર વગરની તલવાર જે પણ ભેટમાં જ મળી હતી, એવા સાધનો પોલીસે એકત્રિત કરી ધાતક હથિયારો તરીકે ઉલ્લેખ કરી અમારા કાર્યાલયમાં સેવા આપનારા કાર્યકર્તા તથા રાજકોટથી આવેલા 2 કાર્યકતાઓ જેઓ જમવા બેઠા હતા અને બાજુના ગામેથી રાશન કીટ લેવા આવેલા 4 કાર્યકર્તાઓ કુલ મળીને 11 લોકોની ધરપકડ કરીને તદ્દન ખોટી ફરિયાદ ઉભી કરી છે.
વધુમાં અમારા માનવ અધિકારોનું હનન કર્યું છે. તેમજ ગોંડલ બંધના સંદર્ભમાં અમારી સંસ્થાનો કોઈ રોલ કે સંબંધ નથી. આમ છતાં સંસ્થાના ફાઉન્ડર નિખિલભાઈ દોન્ગા પર ખોટો આરોપ મૂકી રાગદ્વેષ સાથે કાર્યવાહી કરવામાં આવી છે. આ બાબતે તાકીદે યોગ્ય પગલાં લેવા અંતમાં માંગ કરી હતી.