રાજકોટ: રંગીલા રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માત્ર નવ વર્ષના બાળકનું ઘરમાં કોઠીમાં ગુંગળાઈ જવાના કારણે મોત નીપજ્યું છે. આ બાળકના માતા પિતા મજૂરી કામ અર્થે ગયા હતા અને આ બાળક દ્વારા ઘરના રહેલી કોઠીમાં ઓસીકાના સહારે ચડ્યો હતો. ત્યારબાદ આ કોઠીનો દરવાજો બંધ થઈ ગયો હતો. જેના કારણે આ બાળકનું કોઠીમાં ગુંગળાઈ જવાના કારણે મોત થયું હતું. જ્યારે સમગ્ર મામલે થોરાળા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે. જ્યારે માત્ર નવ વર્ષના બાળકનું પોતાના ઘરમાં જ ગૂંગળામણ થવાના કારણે મોતની ઘટના સામે આવ્યા બાદ શહેર ભરમાં ચકચાર મચી જવા પામી છે.
![મીતની ફાઈલ તસવીર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18218588_01.jpg)
માતા-પિતા મજૂરી કામ અર્થે ગયા અને થયું મોત: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના ભાવનગર રોડ ઉપર આવેલા શિવાનીનગરમાં રહેતા શ્રમિક એવા જયેશભાઈ બારીયા અને તેમની પત્ની પોતાના નિત્યક્રમ મુજબ કામ ઉપર જઈ રહ્યા હતા. જ્યારે 9 વર્ષનો પુત્ર મિત બીમાર હોય ત્યારે તેને ઘરે એકલો મૂકીને બંને પતિ પત્ની કામ ઉપર જતા રહ્યા હતા. ત્યારબાદ કામ ઉપરથી પરત ફરતા પુત્ર શેરીમાં રમતા જોવા મળ્યો નહોતો. જેને લઈને આસપાસમાં શોધખોળ કરી હતી અને અંતે થોરાળા પોલીસ મથકમાં પુત્ર ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. એમાં ઘરે પણ શોધખોળ હાથ ધરી હતી. ત્યારે ઘરમાં કોઠીમાં વજન જણાતા આ કોઠી ખોલતા મીત બેભાન અવસ્થામાં કોઠીમાં પડ્યો હતો. જેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસડવામાં આવ્યો હતો પરંતુ તેને વધુ સારવાર મળે તે પહેલા જ તે મોત થયું હતું.
![પરિવારમાં કરુણ કલ્પાંત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18218588_02.jpg)
પોલીસ ફરિયાદ: આ મામલે મીતના દાદા એવા ભીખુભાઈ બારૈયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મીતના માતા પિતાએ અમને સાંજના ચાર વાગ્યાની આસપાસ આ ઘટના અંગેની જાણ કરી હતી. ત્યારબાદ અમે પરિવારજનો મીતની તપાસ માટે આસપાસના સ્થળ ઉપર ગયા હતા. તેમજ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. જ્યારે અમે મિતની શોધખોળ કરતા હતા તે દરમિયાન મને ફોન આવ્યો કે મીત કોઠીમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યો છે. જેને અમે તાત્કાલિક કાઢીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે કોઠીમાં પડવા મામલે મીતના દાદાએ જણાવ્યું હતું કે ઘરમાં ઓશિકા અને ગાડલા પડ્યા હતા તે રાખીને મીત કોઠી પર ચડ્યો હતો અને અંદર પડી ગયો હતો. ત્યારબાદ દરવાજો બંધ થઈ ગયો હતો જેના કારણે આ પ્રકારની ઘટના બની.
આ પણ વાંચો Loan Frauds: લૉન અપાવવાના બહાને પૈસા લઈ ઠગાઈ કરતી મહિલા ગેંગ ઝડપાઈ
મૃતકના દાદાએ કરી અપીલ: આ સાથે જ મૃતકના દાદા એવા ભીખુભાઈ બારૈયાએ લોકોને અપીલ કરી હતી કે અમારા પરિવાર ઉપર આ પ્રકારની આફત આવી છે, પરંતુ તમે લોકો પોતાના બાળકોનું ધ્યાન રાખો, જેના કારણે આવા બનાવો સમાજમાં ના બને, ઉલ્લેખનીય છે કે રાજકોટમાં માત્ર નવ વર્ષના બાળકનું કોઠીમાં પડ્યા બાદ ગુંગળાઈ જવાને કારણે મોત થવાને લઈને હાહાકાર મચી જવા પામ્યો છે.