રાજકોટ : આજના આધુનિક યુગમાં યુવા વર્ગના લોકો મોજ શોખ અને અભ્યાસ કરીને પોતાની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે. એવામાં રાજકોટના 31 વર્ષના યુવાને અત્યાર સુધીમાં 50 વખત પોતાનું બ્લડ ડોનેટ કરીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા સાગર ચૌહાણે અત્યાર સુધીમાં અલગ-અલગ રીતે 50 વખત બ્લડ ડોનેટ કર્યું છે. જ્યારે આ યાત્રા હજુ પણ અવિરત ચાલી રહી છે. તેમનું માનવું છે કે લોકોએ કોઈપણ રીતે બીજાને ઉપયોગ થાય તે પ્રકારનું કાર્ય કરવું જોઈએ.
રક્તનો "સાગર" : ETV BHARAT સાથેની વાતચીતમાં સાગર ચૌહાણે જણાવ્યું હતું કે, મેં 31 વર્ષની ઉંમરથી અત્યાર સુધીમાં 14 વખત રક્તદાન કર્યું છે. તેમજ 9 વખત પ્લાઝમા દાન કર્યું છે અને 27 વખત પ્લેટલેટ ડોનેટ કર્યા છે. જેને સિંગલ ડોનર પ્લેટલેટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પ્લાઝમા અને પ્લેટલેટ એ લોહીનો જ એક ભાગ છે. તેમજ વિવિધ ટેકનોલોજીની મદદ વડે તેને લોહીમાંથી છૂટું પાડી ત્યારબાદ લેવામાં આવે છે. જ્યારે આપણા લોહીમાં રેડસેલનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય છે. જેના કારણે લોહી લાલ રંગનું દેખાતું હોય છે. જોકે આ લોહીની અંદર જ પીળા કલરનું પ્લાઝમા હોય છે અને સફેદ કલરનું પ્લેટલેટ હોય છે.
આવી રીતે શરૂ થઈ સેવાની સફર : સાગર ચૌહાણે વર્ષ 2017 થી જ પોતાનું બ્લડ ડોનેટ કરવાની શરૂઆત કરી હતી. જ્યારે તે સમયે તેઓ એક ખાનગી શાળામાં પ્રિન્સિપાલ હતા. તેમની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક મહિલાના માતા પિતાને એ પોઝિટિવ બ્લડની જરૂરિયાત ઊભી થઈ હતી. જે દરમિયાન સાગર ચૌહાણે પોતાનું બ્લડ પ્રથમ વખત ડોનેટ કર્યું હતું. પ્રથમ વખત બ્લડ ડોનેટ કરવાના અનુભવની વાત કરતા સાગરભાઈએ જણાવ્યું તે મુજબ ત્યારે તેમને પણ ડર લાગ્યો હતો. પરંતુ બ્લડ ડોનેટ કર્યા બાદ તેમને એક અલગ જ અનુભવ થયો હતો અને ત્યારથી લઈને તેઓ અત્યાર સુધી અવિરતપણે પોતાનું બ્લડ ડોનેટ કરી રહ્યા છે. ભવિષ્યમાં પણ તેઓ પોતાની આ યાત્રા ચાલુ રાખવા માંગે છે.
પ્લાઝમા અને પ્લેટલેટનું દાન : સાગર ચૌહાણે વધુ જણાવ્યું હતું કે, પ્લેટલેટનો ઉપયોગ સૌથી વધુ કેન્સરના દર્દીઓની ટ્રીટમેન્ટ વખતે થતો હોય છે. આ પ્રકારના દર્દીને પ્લેટલેટની જરૂરિયાત રહેતી હોય છે. આ સાથે જ ડેન્ગ્યુના તાવ દરમિયાન પણ દર્દીઓના શરીરમાં પ્લેટલેટ ઘટી જતા હોય છે. એટલે આવા દર્દીઓને પણ પ્લેટલેટની જરૂર પડતી હોય છે. જ્યારે પ્રસુતિ દરમિયાન મહિલાઓને પણ પ્લેટલેટની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે.
પ્લાઝમાં અને પ્લેટલેટ શું છે ? પ્લાઝમા શરીરમાં એન્ટીબોડીનું કામ કરતા હોય છે. કોરોનાકાળ દરમિયાન જે જે દર્દીઓ સાજા થયા હતા તેમને પોતાના પ્લાઝમા ડોનેટ કરીને અન્ય કોરોના દર્દીઓના જીવ બચાવ્યા હતા. જ્યારે પ્લાઝમા અને પ્લેટલેટ આ બંને મુખ્યત્વે લોહીના જ ઘટક છે અને લોહીમાંથી જ તેને છૂટા પાડવામાં આવતા હોય છે. આ બંને પણ મૂળ લોહીના જ ઘટકો છે પરંતુ લોહીમાં રેડ સેલનું પ્રમાણ વધુ હોવાના કારણે તે લાલ રંગનું દેખાય છે.