- રાજકોટ તાલુકામાં 3 સિંહોના ધામા
- વધુ એક વીડિયો વાયરલ
- ખેડૂતોમાં ભયનો માહોલ
રાજકોટઃ છેલ્લા 25 દિવસથી રાજકોટ તાલુકાના ગામોમાં 3 સિંહો આવી ચડ્યા છે. જેને લઈને વન વિભાગ દ્વારા આ સિંહોની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે મંગળવારે પડવલા ગામની સીમમાં સિંહ દેખાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં આરામ ફરમાવતા બે સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિંહ ગામમાં આવવાને કારણે ખેડૂતોમાં ભય સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આરામ ફરમાવતા બે સિંહનો વીડિયો વાયરલ
રાજકોટ તાલુકાના ઉમેરાળી, હલેન્ડા, ડુંગરપુર, ખારચિયા, મકનપર, સરધાર, વડાળી, લોથળા ભાયાસર, કાથરોટા, પાડાસણ અને ખોખલડળ સહિતનાં ગામડામાં 3 સિંહ ફરી રહ્યા છે. ત્યારે મંગળવારે પડવલાની સીમમાં આ સિંહોએ દેખા દીધી હતી. આ સિંહોમાંથી બે સિંહો ખેતરમાં આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આ અગાઉ ત્રણ સિંહોએ 20થી વધુ પશુઓનું મારણ કર્યું હતું
રાજકોટ ખાતે આવી ચડેલા સિંહોએ અત્યાર સુધીમાં અલગ ગામોમાં 20થી વધુ પશુઓનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ સિંહો ઉમેરાળી, હલેન્ડા, ડુંગરપુર, ખારચિયા, મકનપર, સરધાર, વડાળી, લોથળા ભાયાસર, કાથરોટા, પાડાસણ અને ખોખલડળ સહિતનાં ગામડાઓમાં ફરી પશુઓનું મારણ કરી રહ્યા છે. જેને લઈને ગ્રામજનોમા પણ ભયનો માહોલ સર્જાયો છે.
વનવિભાગના અધિકારીએ કરી પુષ્ટિ
રાજકોટ વનવિભાગના અધિકારી રવિપ્રસાદે જિલ્લામાં સિંહ હોવાની વાતની પુષ્ટિ કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, જિલ્લાની રેન્જમાં છેલ્લા 25 દિવસથી સિંહ હોવાની ગતિવિધિ જોવા મળી રહી છે. આ અગાઉ જસદણની આસપાસના વિસ્તારમાં સિંહની હલચલ જોવા મળી હતી. જ્યારે 30 નવેમ્બરના રોજ સરધાર વિસ્તારમાં પ્રથમ વખત સિંહ દેખાયો હોવાનું સામે આવ્યું હતું. આ વિસ્તારમાં ગ્રામજનોએ પણ સિંહને જોયો હતો. જેને લઈને વનવિભાગ પણ એલર્ટ થયું છે.
વનવિભાગની સિંહની ગતિવિધિઓ પર નજર
જિલ્લામાં સિંહ દેખાયો હોવાની વાત સામે આવતા વનવિભાગ પણ એલર્ટ થયું હતું. જે વિસ્તારમાં સિંહ દેખાયો છે ત્યાંના સરપંચ સાથે બેઠક યોજીને ગ્રામજનોમાં ભય ન ફેલાય તેમજ સિંહ દેખાય તો તરત જ વનવિભાગનો સંપર્ક સાધવાનું કહ્યું છે. જ્યારે આ વિસ્તારમાં ખેડૂતોને રાતના સમયે પાણી વળવા ખેતર ન જવું તેમજ ગ્રામજનોએ પણ રાત્રીના સમયે સાવચેતી રાખવી એ તમામ બાબતો વનવિભાગ દ્વારા સમજવામાં આવી રહી છે.