રાજકોટઃ હાલ વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે સાથે જ ભારતમાં હવે વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળો આવતા જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં પાણીની ખૂબ જ વિકટ સમસ્યા જોવા મળે છે. જ્યારે સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં પણ પાણી માટે પારાયણ જોવા મળતી હોય છે, પરંતુ લોકડાઉન વચ્ચે પણ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર છે.
આ વર્ષે રાજકોટના મુખ્ય જળસ્ત્રોતમાં પાણી ખૂટે પહેલાં જ મનપાએ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરીને સૌની યોજનાનું પાણી ડેમમાં નાખવાની માંગ કરી હતી.
શહેરમાં ઉનાળા દરમિયાન જળ કટોકટી ન સર્જાય તેની આગોતરી તૈયારીના ભાગરૂપે રાજ્ય સરકારે સૌની યોજના હેઠળ આજી-1 અને ન્યારી- 1 જળાશયમાં નર્મદાનીર ઠાલવવાનું શરૂ કરી દીધુ છે. જેના કારણે આજી ડેમની જળ સપાટી 26 ફૂટ સુધી થઈ ગઈ છે. જ્યારે ન્યારી ડેમ પણ 18 ફૂટ સુધી ભરવામાં આવ્યો છે. જેને લઈને મનપા દ્વારા રાજકોટ શહેરના નગરજનોને આગામી ચોમાસા સુધી દૈનિક 20 મીનીટ પાણી આપી શકાશે.