- પોલીસની ઓળખ આપી લોકોને માર મારી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરતા
- શહેરના વિવિધ વિસ્તારોમાંથી 10 જેટલી લૂંટને અંજામ આપ્યો
- આરોપી પાસેથી 14 મોબાઈલ સાથે રોકડ રકમ પણ જપ્ત
રાજકોટ: જેતપુર શહેરના વિવિધ વિસ્તારમાંથી પોલીસ દ્વારા સિનિયર સિટીઝનને ધાક-ધમકી આપી લૂંટ ચલાવતાની શહેર પોલીસને ફરિયાદો મળતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં વિજય ઉર્ફે દેવરાજ બાંભણીયા અને તેમનો સાથી અજય ઉર્ફે કાનો લાલકીયા સાંજના સમયે જેતપુરના શાંત વિસ્તારોમાં સિનિયર સિટીઝન તેમજ પરપ્રાંતીય લોકોને ઉભા રાખી પૂછપરછ કરી માર મારતા હતા અને પોતે પોલીસ હોવાની ઓળખ આપતા હતા. આ સાથે જ બન્ને આરોપી લોકો પાસેથી મોબાઈલ તેમજ રોકડ રકમની લૂંટ ચલાવતા હોવાની ફરિયાદ શહેરના પોલીસ મથકમાં નોંધાઇ છે.
CCTVના આધારે પોલીસ તપાસ શરૂ કરી
પોલીસે જ્યારે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, ત્યારે આ બેલડી અનેક જગ્યાએ CCTVમાં કેદ થઈ હતી. જેથી પોલીસે વધુ તપાસ કરતા આ બન્ને આરોપી અમરેલી જિલ્લાના વડીયાના હોવાનું સામે આવ્યું હતું, જ્યારે શહેર પોલીસે વડીયા તપાસ કરતા બન્ને આરોપી ત્યાંથી મળી આવ્યા હતાં. અત્યાર સુધી આ બન્ને આરોપીઓએ જેતપુર શહેરના વિવિધ વિસ્તારોમાંથી 10 જેટલી લૂંટને અંજામ આપ્યો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે.