રાજકોટ: શહેરમાં દુર્લભ સાપની તસ્કરી અને વેચાણનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે મુંબઈથી આવેલી વાઈલ્ડ લાઇફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોએ સ્થાનિક વન વિભાગની ટીમ સાથે ટ્રેપ ગોઠવી હતી અને બે આરોપીને પકડી પાડયા છે. મનીષ કાપડિયા અને હરેશ મકવાણા નામના શખ્સ આ આંધળી ચાકળ વેચવાના મામલામાં ઝડપાયા છે. જેને વન વિભાગ દ્વારા કોર્ટમાં રજૂ કરાયા હતા ત્યારે કોર્ટ દ્વારા આ બંનેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
ગત તારીખ 3નાં રોજ શહેરના મોરબી રોડ પર આવેલ વૃંદાવન સોસાયટી વિસ્તારમાં આંધળી ચાકળ સાપની તસ્કરી થવાની છે તેવી બાતમી વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલને મળી હતી. જેના આધારે આ ટીમ દ્વારા સ્થાનિક વન વિભાગની ટીમ સાથે મળીને એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે દરમિયાન મનીષ કાપડિયા નામના શખ્સ દ્વારા આ આંધળી ચાકળનો 1.90 લાખમાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો. જેને વન વિભાગની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ તેને આ આંધળી ચાકળ હિતેશ મકવાણા નામના શખ્સ પાસેથી લીધું હોવાનું કબૂલ્યું હતું. જેની પણ ધરપકડ કરવામાં આવી છે. - તુષાર પટેલ, વન વિભાગ અધિકારી, રાજકોટ
અધિકારીએ તાંત્રિક બનીને પાડ્યો દરોડો: વન અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે હિતેષ મકવાણા નામનો શખ્સ સાપને પકડવાનું કામ કરે છે અને તેને જ મનીષને આ દુર્લભ સાપ આપ્યો હતો. ત્યારબાદ મનીષે આ આંધળી ચાકળનો સોદો કર્યો હતો અને આ સોદો 1.90 લાખમાં નક્કી કર્યો હતો. જો કે આ આંધળી ચાકળનો ઉપયોગ તાંત્રિક વિધિ થતો હોય છે. રાજકોટમાં દુર્લભ પ્રજાતિના સાપની તસ્કરીનો મામલો સમે આવ્યા બાદ વન વિભાગ પણ એલર્ટ થયું છે. તેમજ લોકોને પણ આવી તાંત્રિક વિધિની વાતોથી દૂર ક્રહેવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા બંને આરોપીઓ હાલ રિમાન્ડ પર છે તેમજ તેમની વધુ પૂછપરછ શરૂ છે.