રાજકોટ: આગામી 28 ઓક્ટોબરે શરદ પૂનમના રોજ સાંજે 7 કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબાની ખાસ વાત એ છે કે રાજકોટવાસીઓ આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખીત માડી ગરબા ઉપર ગરબા રમશે. આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ અઅધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાશે, જેમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.
પાર્થિવ ગોહિલની ટીમ કરશે જમાવટ: આગામી શરદ પૂનમના દિવસે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે અંદાજિત 1 લાખ કરતાં વધુ લોકો ગરબા રમશે. આ 1 લાખ લોકોની નોંધ ત્રણ જેટલી અલગ અલગ સંસ્થાઓ લેશે. જેમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડીયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ આ તંત્ર સંસ્થાઓની ટીમ પણ ગરબા ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહેશે. આગામી 28 તારીખના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 5 લાખ સ્ક્વેર ફિટના ગ્રાઉન્ડમાં બોલીવુડના સિંગર પાર્થિવ ગોહિલની ટીમ ગરબાની રમઝટ બોલાવશે.
'નવરાત્રિ દરમિયાન વર્ષોથી વડાપ્રધાન મોદી નવ દિવસ દરમિયાન માત્ર લીંબુ પાણી પીને તપસ્યા કરતા હોય છે. માતાજીની આરાધના કરતા હોય છે. ત્યારે તેમણે દેશના યુવાનોને ધાર્મિકતા સાથે જોડવા માટે માડી ગરબાનું નિર્માણ કર્યું છે. જેને લઇને રાજકોટમાં સ્વનિર્ભર શાળા મંડળ, ઇન્કરેટીબલ ગ્રુપ સાથે ભાજપના આગેવાનોએ નક્કી કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ગરબો બનાવવામાં આવ્યો છે, તેના પર રાજકોટમાં 1 લાખથી વધુ લોકો ગરબા રમશે. - ડો ભરત બોઘરા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ
ઓનલાઇન નોંધણી જરૂરી: ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુજરાતમાં વડોદરા ખાતે એકસાથે 60 હજાર લોકોએ ભેગા મળીને ગરબા રમ્યા હતા અને વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. ત્યારબાદ હવે રાજકોટ ખાતે 1 લાખ કરતાં વધુ લોકો એકઠા થઈને ગરબા રમશે અને વર્લ્ડ રેકોર્ડ બનાવશે. જ્યારે કાર્યક્રમમાં ભાગ લેનાર ગરબા ખેલૈયાઓ માટે નિશુલ્ક એન્ટ્રી રાખવામાં આવી છે અને માત્ર તેમણે ઓનલાઇન નોંધણી કરાવવી પડશે.