પોરબંદર એક એવું શહેર છે કે જે મહાત્મા ગાંધીના જન્મ સ્થળ તરીકે પ્રખ્યાત હોવાથી અનેક લોકો અહીં મુલાકાતે આવે છે, પરંતુ પોરબંદરમાં પ્રવેશતાની સાથે જ જો ગણતરી શરૂ કરવામાં આવે તો કિર્તિ મંદિર સુધી અથવા મુખ્ય બજાર સુદામા ચોક સુધી જઈએ તો સો જેટલા ઢોર રસ્તામાં ઊભેલા જોવા મળશે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર મૌન સેવીને બેઠું છે.
પરંતુ આગામી સમયમાં બીજી ઓક્ટોબર આવે છે. મુખ્યપ્રધાન આવી રહ્યા છે તેથી હવે તંત્ર દોડતું થશે અને ઢોર ભગાડવા માટે સ્પેશિયલ માણસો પણ રાખવામાં આવશે. તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે, પરંતુ પ્રજા માટે અહીં કંઈ કરવામાં આવતું નથી તે વાસ્તવિકતા છે. પોરબંદરના જુબેલી વિસ્તારમાં તથા કડિયા પ્લોટ વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડથી કડિયા પ્લોટ વિસ્તારમાં પસાર થતો રસ્તો એટલી હદે બિસ્માર છે કે અકસ્માત ઝોન બન્યો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં ન આવતા લોકોમાં પણ રોષ વ્યાપી ગયો છે.
એક તરફ લોકોને અકસ્માતમાંથી બચાવવા નવા ટ્રાફિક નિયમ બનાવવમાં આવે છે અને કડક પાલન કરાવવામાં આવે છે, પરંતુ ઢોર અને ખરાબ રસ્તાના લીધે અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે તે તંત્ર ધ્યાને નથી લેતું. હાલ તો તંત્રની નબળી કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લોકો ઢોરની સમસ્યામાંથી મુક્તિ તથા રોડના સમારકામની આશાએ બેઠા છે. ત્યારે તંત્ર ક્યારે જાગશે તે જોવાનું રહ્યું.