પોરબંદર: ગત 31 જુલાઇએ ભોરાસર સીમ વિસ્તારના લોકોએ રસ્તાની સુવિધા અંગે તંત્રને પત્ર લખી 20 દિવસમાં જો જવાબ ન મળે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમ છતા તંત્ર તરફથી જવાબ ન મળતા ગુરૂવારે વિદ્યાર્થીઓ, વાલીઓ, ખેડૂતો, દૂધનો વ્યવસાય કરનારા પશુપાલકો, ખેડૂત આગેવાન પ્રતાપભાઈ ખીસ્તરીયા, નેશનલ સ્ટુડન્ટ યુનિયન પોરબંદરના જેસલ જાડેજા વગેરે દ્વારા રસ્તા રોકો આંદોલન કરી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આ વિસ્તારમાં ભોરાસર સીમશાળા આવેલી છે જ્યાના ધોરણ 1 થી 8 ના 120 વિદ્યાર્થીઓ અને અન્ય કોલેજના મળીને કુલ 200 વિદ્યાર્થીઓ આ રસ્તો લાગુ પડે છે.
શાળાને શાળા સ્વચ્છતા એવોર્ડ, સ્વચ્છ વિદ્યાલય પૃસ્કાર, શાળા ગુણવત્તા એવોર્ડ, ગ્રીન સ્કૂલ એવોર્ડ મળેલો છે. તેમજ 'રોજાના સ્કૂલ જાના' વિષય પર બનેલી સક્સેસ સ્ટોરીમાં દેશની આઠ બેસ્ટ શાળાઓમાં પણ આ શાળાનો સમાવેશ થયો છે. આ ઉપરાંત આ વિસ્તારની આસપાસ 16 જેટલા ખેડૂતો રહેતા હોવાથી તેમને પણ ઘણી વખત હોસ્પિટલના કાર્ય અને ખેતરે જવામાં રસ્તાના અભાવે તકલીફ પડતી હોય છે તો શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત વાતાવરણ પૂરું પાડતી શાળાનો રસ્તો હવે ક્યારે બને એ જોવાનું રહ્યું.