- ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીથી પોરબંદરના સમુદ્રને પહોંચી રહ્યું છે નુક્સાન
- Save Porbandar Sea અભિયાનમાં અનેક સંસ્થાઓ જોડાઈ
- કેમિકલયુક્ત પાણી સમુદ્રમાં ઠલવાતા મત્સ્યોદ્યોગ પર પડશે માઠી અસર
પોરબંદર : જેતપુરમાં આવેલા સાડીના કારખાનાઓનું પ્રદૂષિત થયેલું પાણી પાઇપલાઇન મારફતે પોરબંદરના સમુદ્રમાં ઠાલવવાના પ્રોજેક્ટને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. જોકે, પ્રદૂષિત પાણી ભળવાના કારણે સમુદ્રમાં વસતા સજીવો અને મત્સ્ય ઉદ્યોગને માઠી અસર પડે તેમ છે. જેના કારણે શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા એકજૂટ થઈને Save Porbandar Sea નામક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત રોજેરોજ વિવિધ પ્રકારે રાજ્ય સરકારને આ પ્રોજેક્ટ મોકૂફ રાખવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે.
દરિયાઇ સંપત્તિને પહોંચી શકે છે મોટું નુકસાન
પોરબંદર જિલ્લામાં અનેક લોકો મત્સ્ય ઉદ્યોગ સાથે પણ જોડાયેલા છે. ત્યારે દરિયામાં રહેલા અનેક દરિયાઈ જીવોને પણ આ કેમિકલયુક્ત પાણીથી મોટું નુક્સાન થશે. આ ઉપરાંત પોરબંદરના માધવપુરમાં આવેલા કાચબા ઉછેર કેન્દ્રના કાચબાઓને તેમજ શાર્ક અને ડોલ્ફિન જેવી માછલીઓ પણ પોરબંદરના દરિયામાં વસવાટ કરતી હોવાથી અનેક દરિયાઈ જીવો માટે આ કેમિકલયુક્ત પાણી જોખમરૂપ સાબિત થશે. આ માટે 'પ્રકૃતિ ધ યુથ ક્લબ'ના સભ્ય નૂતન ગોકાણીએ Save Porbandar Sea અભિયાન શરૂ કર્યું છે.
પોરબંદરના વકીલે હાઇકોર્ટના ન્યાયમૂર્તિને કરી રજૂઆત
પોરબંદરના જાણીતા વકીલ ભનુભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, પોરબંદરના સમુદ્રમાં રાજકોટ જિલ્લાના જેતપુર પાસે સાડી ઉદ્યોગ છે, તેનું કેમિકલયુક્ત પાણી પાઇપલાઇન મારફતે છોડવામાં આવશે તો દરિયાઈ જીવસૃષ્ટિ તથા પર્યાવરણને પણ ગંભીર અસર થવાની છે. આ પાઈપલાઈન ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા તથા ઘેડ વિસ્તારમાં થઈને કેમિકલયુક્ત પાણી દરિયામાં નાખશે. આ પાઈપલાઈન મોટાભાગે ખેતીની જમીન માંથી પસાર થશે અને આ પાઇપલાઇનમાં જ્યારે ફોલ્ટ થશે ત્યારે ખેડૂતોની જમીનને પણ નુક્સાન પહોંચશે. જેથી આ અંગે ન્યાયમૂર્તિને પણ રજૂઆત કરી છે.
લાખો માછીમાર અને અન્ય ધંધાર્થીઓને પણ થશે અસર
સમુદ્રમાં જો આ પાઈપલાઈન નાખવામાં આવશે, તો પોરબંદર જિલ્લામાં સવા લાખ જેટલા માછીમાર પરિવારો અને મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય લોકોને પણ મોટી નુક્સાની વેઠવાનો વારો આવશે. કેમિકલયુક્ત પાણીથી અનેક માછલીઓના મોત થશે. તેથી મત્સ્યોદ્યોગ દ્વારા કરોડોનું હૂંડિયામણ દેશમાં મળી રહ્યું છે, તેને પણ અસર પહોંચશે. આથી માછીમારો માટે યોગ્ય નિર્ણય લઇ સરકાર દ્વારા આ પ્રોજેક્ટને રદ્દ કરવામાં આવે તેવી અપીલ માછીમાર સમાજના આગેવાન અશ્વિન જુંગીએ કરી હતી.