પોરબંદરના મનસુખ શામજી બાંડિયાની માલિકીની શ્યામરાજ નામની ફિશિંગ બોટ તા. 1 ડિસેમ્બરના રોજ 6 જેટલા ખલાસી સાથે ફિશિંગમાં ગઈ હતી. બોટ 150 કિમી એટલે કે 80 નોટીકલ માઈલ દુર ફિશિંગ કરી રહી હતી. તે સમયે બોટના ગીયર બોક્સમાં એકાએક આગ લાગી હતી. આથી જયવનભાઈ રામભાઈ મયડા નામના ખલાસીએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કોશીષ કરતા આગની જ્વાળામાં તે લપેટાઈ ગયો હતો. આથી અન્ય ખાલીસોએ પાણી વડે આગ બુઝાવી હતી. તેમજ દાઝેલા ખલાસીને સારવાર માટે બોટ મારફત પોરબંદર લાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ બોટ બંધ થઇ ગઈ હોવાથી અન્ય બોટ સાથે દોરડું બાંધીને બોટને પોરબંદર લાવવામાં આવી હતી.
પોરબંદરના બંદર નજીક બોટ પહોંચી. ત્યારે બંદર પર રેતીનો ભરાવો હોવાના કારણે બોટ બંદરમાં પ્રવેશી શકી ન હતી. તેમજ ત્રણેક કલાક બાદ જયારે ભરતી આવી ત્યારે બોટ અંદર પ્રવેશી શકી હતી. ત્યારબાદ આ ખલાસીને પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
ત્યારે બીજા અન્ય બનાવમાં બોટ એસોસિએશનના કાર્યકારી પ્રમુખ અશ્વિનભાઈ મધુભાઈ જુંગીએ આપેલ માહિતી પ્રમાણે પોરબંદરના નિતાબેન ઉપેન્દ્ર બાંદિયાવાલાની માલિકીની ન્યુ રામીરાજ નામની ફિશિંગ બોટ દરિયામાં ફિશિંગ કરી રહી હતી. એ દરમ્યાન ખલાસી દ્વારા રસોઈ બનાવતા અચાનક પ્રાઈમસ ફાટવાને કારણે આગ લાગી હતી. જેથી સચીન નગીન વારલી તથા નરેશ રવીયા બન્ને ખલાસીઓ દાઝી જવાના કારણે 108ને જાણ કરવામાં આવતા બોટ એમ્બ્યુલન્સ દ્વારા દરીયામાંથી કાંઠે પહોંચાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અન્ય એક બનાવમાં ગઈ કાલે રાત્રીના સમય દરમિયાન દરીયામાં માછીમારી કરી રમેશભાઈ કાનજીભાઈ ગોહેલની માલિકીની સુર્ય સાગર નામની બોટના ખલાસી વનાભાઈ અમરાભાઈ અચાનક માછીમારી દરમિયાન બીમાર પડતા 108 બોટ એમ્બ્યુલન્સને તાત્કાલીક જાણ કરતા દરિયામાંથી સારવાર માટે પોરબંદર સિવિલ હોસ્પીટલ ખાતે પહોચાડવામાં આવેલ હતા.
જે બન્ને બનાવોમાં ડ્રેજિંગના અભાવે બોટ એમ્બ્યુલન્સ બંદર સુધી પહોચવામાં દરિયામાં ભરતી થવાની રાહ જોવી પડી હતી. 108 બોટ એમ્બ્યુલન્સ દ્વારા ખુબ જ સારી કામગીરી કરવામાં આવે છે. પરંતુ પોરબંદર બંદરની મુખ્ય ચેનલમાં રેતીનો ભરાવો હોવાને કારણે સમયસર આ મરીન એમ્બ્યુલન્સ બંદરની અંદર આવી શક્તી નથી. તેમના કારણે આ મરીન એમ્બ્યુલન્સની અંદર બીમાર ખલાસીને ત્રણ થી ચાર કલાક સુધી હાઈટાઈડની રાહ જોવી પડે છે.
તેમના માટે આ ખલાસીઓને સમયસર હોસ્પિટલ ખાતે પહોચાડી શકાતા નથી. તેવી માછીમારોની અનેક ફરીયાદો ઉઠી હતી. આ મુખમાં વર્ષ 2016માં કરોડોનાં ખર્ચે ડ્રેજિંગ કરવામાં આવેલ હતુ. પરંતુ હજુ મુખ્ય ચેનલની સમસ્યા તેમની તેમજ છે. આ મુખ્ય ચેનલમાં વહેલામાં વહેલી તકે ડ્રેજિંગ કરવામાં આવે તો આવા અનેક ખલાસીઓ બીમાર પડતા હોય તેમને મરીન બોટ એમ્બ્યુલન્સ દ્વારા બંદરની અંદર આવીને રોડ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલીક હોસ્પીટલ ખાતે પહોચાડીને અનેક લોકોના જીવ બચાવી શકાય એમ છે.