"પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો...સ્વપ્ન પળાય એવો કાયદો...
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડુબી જતા મારા ચોર્યાશી લાખ વ્હાણોનો કાફલો...."
(પંક્તિ સૌ. - ડૉ. મુકુલ ચોક્સી)
પ્રેમ ક્યાં કેવી રીતે અને કોને થઈ જાય છે એ ખબર નથી રહેતી, પરંતુ જો પ્રેમ નિભાવવાની વાત આવે તો એવી અનેક પ્રેમ કથાઓ યાદ આવે... પોરબંદરનું એક કપલ પણ સાચા પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ સમુ બન્યું છે.
મૂળ કેરળના એર્નાકુલમના વતની રશિયા શેખ અહમદ પરિવારનું ગુજરાન ચલાવવા માટે બે બહેનો સાથે પોરબંદરની એક કંપનીમાં કામ અર્થે આવેલાં. હવે જે મકાનમાં તેઓ રહેતાં તેની સામે એક અન્ય મકાનમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું અને ત્યાં સામે ઉભેલી એક વ્યક્તિ તેના બંને હાથ કપાયેલી સ્થિતિમાં જોઈ ને તે અંગે રશિયાએ તેમને પુછ્યું કે આવું કઈ રીતે બન્યું ? જવાબ મળ્યો કે 1991માં કામ કરતા સમયે હાથમાં હથોડી 11 કે.વી જીવતા વીજ વાયર સાથે અડી જતા બંને હાથ ગુમાવ્યા.
બન્નેમાં મિત્રતા થઈ ગઈ અને વાતો આગળ ચાલી. એક દિવસ ટીખળ કરતા જગદીશભાઈ પાનખાણીયાએ રશિયાને કીધું કે મારે તો બે પત્નીઓ છે ત્યારે રશિયાએ પ્રેમથી કીધું તો મને ત્રીજી પત્ની બનાવશો ?
આ સાંભળી જગદીશભાઈ ને લાગ્યું કે આ એજ વ્યક્તિ છે જે મારો જીવનભર સાથ નિભાવી શકે તેમ છે.
પછી બંનેની રોજની વાતોએ પ્રેમના બગીચા તરફ વળાંક લીધો અને પ્રેમની શરૂઆત થઈ. વર્ષ 1992માં બંનેએ આર્યસમાજ વિધીથી લગ્ન કર્યા અને 27 વર્ષ બાદ બંને પ્રેમથી સુખમય જીવન વિતાવી રહ્યા છે. જગદીશભાઈ અને રેખાબેન ઉર્ફે રશિયાને બે સંતાનો છે અર્જુન અને સુમિત જે બંને અભ્યાસ અર્થે હાલ અન્ય શહેરોમાં રહે છે.
પ્રેમ લગ્ન કરતા નવયુવાનોને સંદેશો આપતા જગદીશભાઈએ જણાવ્યું હતું કે પ્રેમલગ્ન કર્યા બાદ તેને નિભાવો તે મહત્વનું છે, વિકટ પરિસ્થિતિ અને સંજોગો ઊભા થાય છતાં તમારા સાથીનો સાથ ન છોડવો અને હંમેશા તેની સાથે જ રહેવું તે જ સાચો પ્રેમ....જે અમર કહેવાશે.
નિમેશ ગોંડલિયા, ઈટીવી ભારત, પોરબંદર