હાલ જ્યારે કોઇને પોતાના સિવાય કોઇની દરકાર નથી, ત્યાં કેટલાંક લોકો માનવતામાં પ્રાણ ફૂંકવાનું કામ કરી રહ્યાં છે. પોરબંદરની સંધ્યા ગુરૂકુલમ નામની સંસ્થા પણ વર્ષોથી આવું જ કામ કરી રહી છે. આ સંસ્થામાં આર્ય સંસ્કૃતિ તીર્થ આશ્રમના નિગામાનંદ સરસ્વતી અને નિત્ય કલ્યાણનંદા સરસ્વતી દ્વારા છેલ્લા 12 વર્ષથી સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. માત્ર 25 જ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ સંસ્થામાં આજે 120 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. જેમાં ચાર શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
આ સંસ્થામાંથી જય સોલંકી નામના મહત્વકાંક્ષી વિદ્યાર્થીએ ધોરણ 8 સુધી અભ્યાસ કર્યા બાદ અમદાવાદ એન્જિનિયરીંગમાં પ્રેવશ મેળવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો હતો. આજે જય સોલંકી અમદાવાદ મહાનગરપાલિકાના નગરવિકાસ ખાતામાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છે.
આમ,સામાન્ય પરિવારમાંથી આવતા જય સોલંકીએ કપરા સંઘર્ષ બાદ સફળતાનું શિખર મેળવ્યું છે. જેમાં 'સંધ્યા ગુરૂકુલમ' સંસ્થાનો મહત્વનો ફાળો છે. આવી સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં અનેક જય સોલંકી અભ્યાસ કરી સફળતા મેળવી રહ્યાં છે.
જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ આ અહેવાલના પણ બે પહેલું છે. એટલે કે, એક તરફ સંધ્યા ગુરૂકુલમ જેવી સંસ્થાઓ કાર્યરત છે. જેના થકી ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ મળે છે. તો બીજી તરફ પ્રશ્ન થાય કે, સમાજમાં આવી સંસ્થાઓની જરૂર જ શું કામ પડે છે.? શા માટે સરકારી શાળાઓમાં યોગ્ય શિક્ષણ અપાતું નથી. શા માટે બાળકોને શિક્ષણ માટે ફાંફાં મારવા પડે. પણ કહેવાય છે કે, જ્યાં અંધારુ હોય છે, ત્યાં માત્ર દીવાની જ્યોતનું અજવાળું જ ઘણું હોય. બસ,આ જ રીતે 'સંધ્યા ગુરૂકુલમ' જેવી સંસ્થાઓ શિક્ષણરૂપી અંધારામાંથી ગરીબ બાળકોને ઉગારવાનું કામ કરી રહી છે.