- ધરમપુરમાં રાજ્યનું પ્રથમ ગીરગાય અભ્યારણ લોકાર્પણથી વંચિત
- 2016 થી સરકાર દ્વારા ધરમપુરમાં 2100 વીઘા જમીન ફાળવાઈ હતી
- ચાર વર્ષ બાદ પણ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી
પોરબંદરઃ ખેતીના વ્યવસાયની માફક જ પશુપાલન વ્યવસાય પણ મહત્ત્વનો હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા ઉત્તેજન આપવા પોરબંદર જિલ્લામાં આવેલા ધરમપુરને પસંદ કરવામાં આવ્યું હતું અને ધરમપુરમાં રાજ્યની પ્રથમ ગીરગાય અભ્યારણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાઈ ટેક વેટરનરી પોલી ક્લિનિકની સુવિધાનું પણ લોકાર્પણ નથી કરાયું
જે માટે કેન્દ્ર સરકારે રૂપિયા 43 કરોડની રકમ ફાળવી હતી. તેમજ પ્રાથમિક તબક્કે તે વખતે ધરમપુર ગ્રામ પંચાયતની હસ્તકની ગૌચર જમીનમાંથી 2100 વીઘા જમીનની પણ ફાળવણી કરવામા આવી હતી અને તેની સોંપણી પોરબંદર પશુપાલન વિભાગને કરાઈ હતી. અહીં વેટરનરી કોલેજ બનાવવાનો નિર્ણય પણ લેવાયો હતો. 2016માં લેવાયેલા નિર્ણય બાદ તૈયાર થઈ ગયેલો હાઈ ટેક વેટરનરી પોલી ક્લિનિકની સુવિધાનું અને ગીર ગાય અભ્યારણનું હજુ સુધી લોકાર્પણ નથી કરાયું.
વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે તો પશુપાલકોને ઉપયોગી સાબીત થશે
આ અંગે પોરબંદર પશુપાલન અધિકારી એ જી મન્સૂરીએ જણાવ્યું હતું કે, આ ગીર ગાય અભ્યારણનું તમામ કાર્ય જૂનાગઢ કૃષિ વિભાગ હસ્તક છે. ત્યાંથી જ વધુ માહિતી મળી રહેશે. જયારે ગીર ગાય અભ્યારણ સામે બનેલા હાઈટેક પોલી વેટરનરી ક્લિનિકનું પણ કોરોના કાળમાં ગ્રાન્ટના અભાવે લોકાર્પણ કરવામાં આવ્યું નથી. જો વહેલી તકે આ લોકાર્પણ કરવામાં આવે તો અનેક પશુપાલકોને ઉપયોગી સાબીત થશે.