- કોરોના વાઈરસના સંક્રમણને કારણે પોરબંદરની સોની બજારમાં ઘરેણા ખરીદીને લાગ્યું ગ્રહણ
- ગત વર્ષ કરતા 50 ટકા ગ્રાહકો ખરીદી કરે તેવું સોની વેપારીઓનું અનુમાન
- લગ્નેસરાની સિઝનમાં ગામડાના લોકો દ્વારા પણ સોનાના ઘરેણાની ખરીદારી ઘટી
પોરબંદર: કોરોના વાઈરસના સંક્રમણને કારણે સમગ્ર વિશ્વમાં સોનાના ભાવ ઊંચકાયા હતા. બીજી તરફ લોકડાઉનના કારણે લોકોની આવક ઓછી થતા આ વખતે દિવાળીમાં સોના ચાંદી બજારમાં ખરીદી નીકળશે નહીં, તેવું માનવામાં આવતું હતું, પરંતુ દિવાળીમાં પુષ્ય નક્ષત્ર બેસતા પોરબંદરમાં ગત વર્ષ કરતાં માત્ર 50 ટકા જેટલી ખરીદી નીકળે તેવું અનુમાન છે . ત્યારે સોનાના ભાવ વધતા ઘરેણાં ખરીદીમાં ઘટાડો નોંધાયો છે.
સોની મહાજન એસોસિએશનના પ્રમુખ જયંતભાઈ નાંઢાના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે દિવાળી જેવા તહેવારોના આગળના દિવસોમાં મોટાપ્રમાણમાં લોકો સોનાની ખરીદી કરતા હોય છે. આ વર્ષે કોરોના મહામારીના પગલે ખરીદારીમાં ઘટાડો નોંધાયો છે. હાલ સોનામાં 10 ગ્રામ ના 49255 રૂપિયા ભાવ છે, ત્યારે કોરોના ઉપરાંત સોનાના ભાવમાં વધારો પણ આ મંદિનું કારણ હોઈ શકે છે. મોટાભાગના મધ્યમ વર્ગના લોકોને વધુ ઉંચા ભાવ પરવળતા નથી હોતા આથી ખરીદીમાં ઘટાડો નોંધાયો છે.
ગામડામાંથી આવતા સોનાની ખરીદી કરવા આવતા ગ્રાહકોમાં પણ ઘટાડો નોંધાયો
જ્યારે પોરબંદરના સોની વેપારી કનુભાઈ ધોળકિયાના જણાવ્યા અનુસાર, તહેવાર ઉપરાંત લગ્નની સિઝનમાં પોરબંદરની આસપાસના ગામડામાંથી પણ અનેક લોકો મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરતા હોય છે.જેમાં વેઢલા, ઝૂમણું, રાણી હાર ,દોકડાંહાર ટોળાહાર ,કાટલી સહિતના ઘરેણા લોકો વધુ ખરીદતા હોય છે, પરંતુ કોરોનાના કારણે આ ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.