પોરબંદરઃ જે લોકો પાસે આંખો નથી, તેવા પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર NSUI દ્વારા ખાસ ડીજે વિથ હોલીનું આયોજન પોરબંદરના અંધજન ગુરૂકુળ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે NSUIના આગેવાનો અને કાર્યકરો મન મૂકીને રંગે રમ્યાં હતાં.
અબીલ ગુલાલની છોડોથી માહોલ રંગીન બનાવ્યો હતો, તો આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણી અર્જુનભાઈ મોઢવાડીયા ઉપસ્થિત રહી પ્રજ્ઞાચક્ષુઓ સાથે હોળી રમી હતી અને પ્રજ્ઞાચક્ષુઓને હોળીની શુભેચ્છા આપી હતી.
પ્રજ્ઞાચક્ષુ બ્રિજરાજ ઝાલાએ જણાવ્યું હતું કે, આમ તો અમે લાલ પીળો કલર જોઈ શકતા નથી, પરંતુ સંગીત અને શબ્દોના સથવારે હોળી રમવાની મજા આવે છે. જ્યારે પણ હોળી આવે ત્યારે તેના એક-બે દિવસથી જોઈ રહ્યા હોય છે. ક્યારે લોકો આવશેને ત્યારે અમે હોળી રમશું આ તહેવારમાં કલર તો અમે નથી જોઈ શકતા, પરંતુ મિત્રો સાથે હોળી રમીને ખુશી અને આનંદની અનુભૂતિ કરીએ છીએ.
આ પ્રસંગે અંધજન ગુરૂકુળના સંચાલક કમલેશભાઈ ખોખરીએ સૌનો આભાર માન્યો હતો.