પોરબંદર : પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા એક યુવાનનું અપહરણ થયાની ફરિયાદ 2017માં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી જેનું આધાર કાર્ડ પોસ્ટના માધ્યમથી ઘરે આવતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. એક અઠવાડિયામાં પોરબંદર પોલીસ સ્ટાફે મહેનત કરી યુવાનનું સાત વર્ષે પરિવાર સાથે આજે મિલન કરાવતા પોરબંદર એસપી કચેરીમાં હરખના આંસુ છલકાયા હતાં.
આધાર કાર્ડ મહત્વની કડી બન્યું : પોરબંદરમાં બોખીરામાં રહેતા એક યુવાનનું અપહરણ થયેલ ફરિયાદ નોંધાઈ હતી. જે બાબતે આજે પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લાના ઉદ્યોગ પોલીસ સ્ટેશનમાં બોખીરામાં રહેતા પરિવારે તેમના 16 વર્ષના યુવાનનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાળકના ફોટોના આધારે તપાસ કરી હતી, પરંતુ પોલીસ બાળકને શોધવામાં અસફળ રહી હતી. ત્યારે એક અઠવાડિયા પહેલા યુવાનના ઘરે તેનું આધાર કાર્ડ પોસ્ટના માધ્યમથી આવ્યું હતું. આ આધાર કાર્ડની જાણ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ આધાર કાર્ડ બાળકને શોધવામાં કડીરૂપ બન્યું હતું.
પોરબંદર ઉદ્યોગનગર પોલીસે આ આધારકાર્ડ પરથી કોઈ મોબાઈલ નંબર થયા છે કે કેમ તેની માહિતી પ્રાપ્ત કરી હતી અને પોલીસને આમાં સફળતા મળી હતી. આ આધારકાર્ડ પરથી અમદાવાદમાં મોબાઈલ નંબર થયાનું સામે આવ્યું હતું અને સુરેશ અમર નામના બાળકના નામે હોવાનું જાણવા મળ્યું હતું. અમદાવાદ પોલીસની મદદ લઈ ઉદ્યોગનગર પોલીસ દ્વારા બાળકને શોધવામાં સફળતા મળી હતી...ભગીરથસિંહ જાડેજા (એસપી )
2017 માં પોતે જ નાસી ગયો હતો : 2017માં બોખીરામાં રહેતા અને 11 સાયન્સમાં પોરબંદરની એક ખાનગી સ્કૂલમાં ભણતા સુરેશ સામતભાઈ અમર નામના 17 વર્ષના યુવાનને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. તેણે યુવતીને પોરબંદરથી રાજકોટ અને રાજકોટથી ટ્રેનમાં રાજસ્થાન લઈ જવાનો પ્લાન કર્યો હતો. પરંતુ યુવતીએ સાથ ન આપતા તેનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો.વાતથી અજાણ તેના પરિવારજનોએ અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી.
સાત વર્ષ દરમિયાન હોટલોમાં કામ કર્યું : પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે સાત વર્ષ દરમિયાન આ યુવાને રાજસ્થાનમાં અલગ અલગ હોટલોમાં કામ કર્યું અને ત્યારબાદ અમદાવાદ આવ્યો હતો. અમદાવાદમાં પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતો હતો અને પોતાની રીતે કમાતો હતો. આ દરમિયાન ગત દિવાળીના તહેવાર પર તે બગવદર ખાતે રાંદલમાંના મંદિરે પણ આવ્યો હતો અને પરિવારને સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પરંતુ પરિવારના ડરના કારણે પાછો અમદાવાદ જતો રહ્યો હતો.
યુવાનના પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો : સાત સાત વર્ષે પરિવારનો લાડકવાયો ઘરે પરત ફરતા પોરબંદર એસપી કચેરીમાં હરખના આસુ છલકાયાં જોવા મળ્યાં હતાં. યુવાનની બહેને ભાઇને વર્ષો બાદ રાખડી બાંધી હતી અને યુવાન માતા અને દાદીમાંને જોઈ ભેટી ગયો હતો. પરિવારજનોએ પોલીસ અધિકારીઓને હાર પહેરાવી મોઢું મીઠું કરાવ્યું હતું. યુવાનના કાકા લખમણભાઈ અમરે જણાવ્યું હતું કે સાત વર્ષે મારો ભત્રીજો ઘરે પરત આવ્યો છે. પોરબંદર એસપી સહીત ઉદ્યોગનગર પોલીસ સ્ટાફનો દિલથી આભાર માનું છું.