પોરબંદર : ગુજરાતમાં ભૂતકાળમાં લઠ્ઠાકાંડની અનેક ઘટનાઓ બની છે ત્યારે પોરબંદરમાં એક અલગ ઘટના સામે આવી છે. પોરબંદરના દરિયામાંથી મળેલ કેનનું કેમિકલયુક્ત પ્રવાહી પી લેતા બે માછીમાર યુવકના મોત થયા છે. જ્યારે અન્ય પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોરબંદર પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.
દરિયામાંથી કેમિકલ કેન મળ્યું હતું :ગુજરાતમાં અનેકવાર લઠ્ઠાકાંડના બનાવો સામે આવ્યા છે ત્યારે ભૂતકાળના લઠ્ઠાકાંડ કરતા વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે પોરબંદરના દરિયામાંથી બે દિવસ પહેલા માછીમારી કરતા સમયે સુરેશ ઉર્ફે સુપડું બોઘાભાઈ જેબર નામના યુવાનને એક પ્રવાહી ભરેલું પાંચ લીટરનું કેન મળ્યું હતું જે તે પોરબંદરમાં લાવ્યો હતો અને તેમાંથી પ્રવાહી પીધું હતું.
મિત્રોને પણ પીવડાવ્યું :આ પ્રવાહી સુરેશે તેના મિત્ર વિઠ્ઠલ સીદી પરમાર તથા અન્ય પાંચ લોકોને પણ પીવા માટે જણાવ્યું હતું. જેમાંથી સુરેશ (ઉ.35) તથા વિઠ્ઠલ ( ઉ 50) નું આજે હોસ્પિટલમાં સવારે મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. સુભાષનગરમાં રહેતા અન્ય પાંચ લોકોએ પણ આ કેમિકલ ટેસ્ટ કર્યું હતું જેથી તેઓને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
તારીખ 2 ઓગસ્ટ. 2023 ના રોજ સુરેશ દરિયામાંથી આ કેન લાવ્યો હતો અને અન્ય લોકોને પણ ટેસ્ટ કરાવ્યો હતો. પરંતુ સુરેશ અને વિઠ્ઠલે વધુ પી લેતા ગઈકાલે રાત્રે સુરેશનું મોત નીપજ્યું હતું અને વિઠ્ઠલનું આજે સવારે મોત નીપજ્યું છે. જ્યારે અન્ય લોકોની તબિયત સારી છે અને સ્વસ્થ છે. ખારવા સમાજના આગેવાનો તથા બોટ એસોસિએશનના આગેવાનોને જાણ કરી જો કોઈ અન્ય લોકોએ આ કેમિકલ પીધું હોય તો તેમને તપાસ કરી તાત્કાલિક સારવાર કરાવવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત આ કેન જપ્ત કરી એફએસએલ તથા પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યારબાદ જ મુખ્ય કેમિકલ શું હતું તેની જાણ થશે...નીલમ ગોસ્વામી(ડીવાયએસપી )
એફએસએલ રિપોર્ટ કરાશે :સફેદ કલરના કેનમાં સફેદ કલરનું પ્રવાહી મૃતક સુરેશ ઉર્ફે સુપડું બોઘાભાઈ જેબરને બે દિવસ પહેલા દરિયામાંથી મળેલ સફેદ કેનમાં પ્રવાહી પણ સફેદ હતું. જે સ્વાદહીન હોવાનું સુરેશના મિત્રોએ જણાવ્યું હતું. આ અંગે પોલીસે કેન જપ્ત કરી એફએસએલમાં આ કેન મોકલવામાં આવ્યું છે. આ કેન કોઈ શિપમાંથી પડી ગયું હતું કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. કયું કેમિકલ હતું તે એફએસએલ રિપોર્ટ બાદ ખ્યાલ આવશે.
એક ઢાંકણું જ પીધું :જ્યારે સુરેશના મિત્ર જયેશ હરજી ચામડિયાએ જણાવ્યું હતું કે તેમણે માત્ર એક ઢાંકણું જેટલું જ આ કેમિકલ પ્રવાહી પીધું હતું. જેમાં કોઈ ટેસ્ટ ન આવતા સુરેશને ના પાડી હતી. ત્યારે આજે એસિડીટી જેવું લાગતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ ઉપરાંત રવિ ખીમજી કિશોર, કિશોર લાલજી ચામડિયા,વિજય કરશન સલેટ, મુકેશ હીરા જેબરને હોસ્પિટલમાં ટેસ્ટ માટે લાવવામાં આવ્યા છે તેઓ પાંચેય સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.